ભારત સામે ઝિમ્બાબ્વેના નવ વિકેટે માત્ર 115 રન, બિશ્નોઈની ચાર વિકેટ

હરારે: ભારતની ‘બી’ ક્રિકેટ ટીમે અહીં યજમાન ઝિમ્બાબ્વેની ટીમને પ્રથમ ટી-20માં 20 ઓવરમાં નવ વિકેટે ફક્ત 115 રન બનાવવા દીધા હતા. ભારતીય બોલર્સમાં સ્પિનર રવિ બિશ્નોઈ (4-2-13-4)એ સૌથી સારું પર્ફોર્મ કર્યું હતું. પહેલી ત્રણમાંથી બે વિકેટ બિશ્નોઈએ લીધી હતી અને શરૂઆતના આંચકાને કારણે જ સિકંદર રઝાની ટીમ મોટો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ રહી હતી.
બિશ્નોઈએ ઓપનર વેસેલી મેધેવીઅર (21 રન) તથા વનડાઉન બૅટર બ્રાયન બેનેટ (બાવીસ રન)ની મહત્ત્વની વિકેટ લીધી હતી. તેણે બન્નેને ક્લીન બોલ્ડ કર્યા હતા. બીજા ઓપનર ઇનોસન્ટ કેઇઆ (0)ને પેસ બોલર મુકેશ કુમારે તેના પહેલા જ બૉલમાં ક્લીન બોલ્ડ કર્યો હતો.
વિકેટકીપર-બૅટર ક્લાઇવ મૅડાન્ડે 29 રનના ટૉપ-સ્કોર સાથે અણનમ રહ્યો હતો. તેણે પચીસ બૉલની ઇનિંગ્સમાં ચાર ફોર ફટકારી હતી. દસમા નંબરના બૅટર બ્લેસિંગ મુઝારાબની (0)ની 90 રનના સ્કોર પર નવમી વિકેટ પડી ત્યારે એવું લાગતું હતું કે 100 રનની અંદર જ ઝિમ્બાબ્વેની ટીમનો વીંટો વળી જશે. જોકે મૅડાન્ડે અને ટેન્ડાઈ ચડારાની જોડી ભારતીય બોલર્સનો સામનો કરીને છેલ્લા 27 બૉલ સુધી રમી ગયા હતા અને પોતાની ટીમને ઑલઆઉટ નહોતી થવા દીધી.
આ પણ વાંચો: Indian cricket team: T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાને મળશે નવો કેપ્ટન, આ યુવા ખેલાડીને સોંપાશે કમાન?
એ પહેલાં, મિડલના બૅટર ડિયોન માયર્સ (23 રન)એ પણ ઝિમ્બાબ્વેની ટીમને થોડો સન્માનજનક સ્કોર અપાવવામાં થોડું યોગદાન આપ્યું હતું. સ્પિનિંગ-ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરે બે વિકેટ તેમ જ પેસ બોલર આવેશ ખાન અને મુકેશ કુમારે એક-એક વિકેટ લીધી હતી. ખલીલ અહમદ અને અભિષેક શર્માને વિકેટ નહોતી મળી શકી.
એ પહેલાં, કૅપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને ટાર્ગેટ ચેઝ કરવાનું પસંદ કર્યું હતું.
ઓપનર અભિષેક શર્મા, વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલ અને બૅટર રિયાન પરાગ ભારત વતી ટી-20માં ડેબ્યૂ કરી રહ્યા છે.
તાજેતરની આઇપીએલમાં અભિષેકે સનરાઇઝર્સ હૈદરાબાદ વતી ધમાકેદાર પર્ફોર્મ કર્યું હતું. રિયાન પરાગ રાજસ્થાન રૉયલ્સની ટીમ વતી રમ્યો હતો અને તેણે પણ ઘણી દમદાર ઇનિંગ્સથી ટૂર્નામેન્ટના ટોચના બૅટર્સમાં 573 રન સાથે ત્રીજી સ્થાન મેળવ્યું હતું.
ભારતની પ્લેઇંગ ઇલેવનમાં કૅપ્ટન ગિલ ઉપરાંત અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, રિન્કુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, મુકેશ કુમાર અને ખલીલ અહમદનો સમાવેશ છે.
ટી-20 વર્લ્ડ કપ જીતીને ભારત પાછા આવેલા ખેલાડીઓને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. આ વર્લ્ડ ચૅમ્પિયન ટીમના ત્રણ પ્લેયર યશસ્વી જયસ્વાલ, સંજુ સૅમસન અને શિવમ દુબે ઝિમ્બાબ્વેમાં સિરીઝની ત્રીજી મૅચથી ગિલની ટીમ સાથે જોડાઈ જશે.
સિલેક્ટરોને ઝિમ્બાબ્વે સામેની આ સિરીઝ દ્વારા 2026ના ટી-20 વર્લ્ડ કપ માટેના ‘જનરેશનનેક્સ્ટ’ ખેલાડીઓની સ્ક્વૉડ તૈયાર કરવામાં ઘણી મદદ મળશે.
ઝિમ્બાબ્વેની ટીમમાં કૅપ્ટન સિકંદર રઝાની સાથે ટૅડિવાનાશે મારુમની, ઇનોસન્ટ કેઇઆ, બ્રાયન બેનેટ, ડિયૉન માયર્સ, જોનથન કૅમ્પબેલ, ક્લાઇવ મૅડાન્ડે (વિકેટકીપર), વેલિંગ્ટન માસાકાદ્ઝા, લ્યૂક જૉન્ગ્વે, બ્લેસિંગ મુઝારાબની અને ટેન્ડાઈ ચટારા સામેલ છે.