T20 World Cup : અધધધ….: ભારત-પાકિસ્તાન મૅચની એક ટિકિટ 16 લાખ રૂપિયાની?, લલિત મોદીએ આક્રોશ ઠાલવ્યો
ન્યૂ યૉર્ક: અમેરિકામાં આગામી પહેલી જૂને મેન્સ ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો હોવાથી હવે આંગળીને વેઢે ગણાય એટલા દિવસો બાકી છે એટલે મુખ્ય આયોજક ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પોતાના તરફથી તૈયારીઓ પૂરી કરી છે, જ્યારે અમેરિકાના ક્રિકેટ અસોસિએશન તેમ જ સહ-યજમાન વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ બોર્ડે પણ બધી વ્યવસ્થા પૂરી કરી લીધી છે. જોકે આઇસીસીએ રવિવાર, નવમી જૂને (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) ન્યૂ યૉર્કમાં ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે જે લીગ મૅચ રમાવાની છે એ માટે જાહેર કરેલા ટિકિટના તોતિંગ ભાવ હાલમાં ચર્ચાના ચકડોળે ચડ્યા છે.
ભારતવાળા ગ્રૂપ ‘એ’માં પાકિસ્તાન ઉપરાંત અમેરિકા, કૅનેડા અને આયરલૅન્ડ છે.
આખા વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનનો મુકાબલો સૌથી મોટો હાઈ-વૉલ્ટેજ બની રહેશે. પાકિસ્તાન સરહદ પારથી સતતપણે આતંકવાદીઓને ભારતમાં મોકલતું હોવાથી તેમ જ ભારત-વિરોધી અભિગમ ધરાવતું હોવાથી ભારતે એની સાથે વર્ષોથી દ્વિપક્ષી સિરીઝ નથી રાખી. બન્ને દેશો માત્ર આઇસીસી દ્વારા આયોજિત ટૂર્નામેન્ટોમાં સામસામે આવતા હોય છે.
આઇસીસીએ ભારત-પાકિસ્તાન મૅચના ટિકિટના ભાવ જાહેર કર્યા છે જે રૂપિયાની ગણતરીએ લાખોમાં છે. આઇસીસી મુજબ ડાયમંડ કૅટેગરીની એક ટિકિટનો ભાવ 20 હજાર ડૉલર (અંદાજે 16.65 લાખ રૂપિયા) છે. બન્ને દેશની ટીમ ક્યારેક જ સામસામે આવતી હોવાથી બની શકે આઇસીસી આ સ્થિતિનો લાભ લઈને ટિકિટના ઊંચા દર રાખી રહી છે. આ મહામુકાબલા માટેની ટિકિટનો ભાવ 300 ડૉલર (25,000 રૂપિયા)થી શરૂ થયો છે.
2008માં આઇપીએલ શરૂ કરનાર લલિત મોદી વર્ષોથી ઇંગ્લૅન્ડમાં રહે છે. તેમણે એક્સ (ટ્વિટર) પરની પોસ્ટમાં લખ્યું છે, ‘ભારત-પાકિસ્તાન મૅચની ડાયમંડ કૅટેગરીની એક ટિકિટ 20,000 ડૉલર (16.65 લાખ રૂપિયા)ના ભાવે વેચાઈ રહી હોવાનું જાણીને મને તો ઝટકો લાગ્યો છે. અમેરિકામાં વર્લ્ડ કપ રાખવા પાછળનો આશય ક્રિકેટને એ દેશમાં લોકપ્રિય બનાવવાનો અને ક્રિકેટપ્રેમીઓને એકમેક સાથે જોડવાનો હોવો જોઈએ, નહીં કે કમાણી કરવાનો. 2,750 ડૉલર (અંદાજે 2.28 લાખ રૂપિયા)ની ટિકિટ વેચવી એ કંઈ ક્રિકેટ ન કહેવાય.’
જોકે આઇસીસીની વેબસાઇટ (tickets.t20worldcup. com) પર ટી-20 વર્લ્ડ કપની ટિકિટોને લગતી લિન્ક પર તપાસ કરતા જણાયું કે ડાયમંડ કૅટેગરીની ટિકિટનો ભાવ 10,000 ડૉલર (8,32,500 રૂપિયા) છે. ઓછામાં ઓછો ટિકિટનો ભાવ 2,000 ડૉલર (અંદાજે 1,66,500 રૂપિયા) છે.