કેપ્ટન ઋષભ પંતની એક ભૂલ ભારતીય ટીમને ભારે પડી શકે છે! અમ્પાયરે બે વાર વોર્નિંગ આપી

ગુવાહાટી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી અને અંતિમ મેચ આસામના ગુવાહાટી સ્થિત બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, શુભમન ગિલની ગેરહાજરીમાં ઋષભ પંત ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. આજે મેચના બીજા દિવસે દક્ષિણ આફ્રિકાની ટીમ મજબુત સ્થિતિમાં જણાઈ રહી છે, એવામાં ઋષભ પંતની ભૂલને કારણે ભારતીય ટીમને મોટું નુકશાન થઇ શકે છે.
બે ઓવરની વચ્ચે ફિલ્ડ ગોઠવવા માટે નિયત સમયથી વધુ સમય લગાવવા બદલ અમ્પાયર ઋષભ પંતને બે વાર ચેતવણી આપી ચુક્યા છે, જો પંત ત્રીજી વાર આવી ભૂલ કરશે તો તેની સજા આખી ટીમને ભોગવવી પડી શકે છે અને દક્ષિણ આફ્રિકાને ફાયદો થઈ શકે છે.
ભારતીય ટીમને નુકશાન થશે!
હવે જો પંત ફિલ્ડીંગ ગોઠવવા માટે વધુ સમય લગાવવાની ભૂલ કરશે, તો ICCના નિયમો મુજબ ભારતીય ટીમ પર 5 રનનો દંડ લગાવવામાં આવશે, જેને કારણે દક્ષિણ આફ્રિકાના સ્કોરમાં 5 રન ઉમેરવામાં આવશે.
અમ્પાયરે પંતને પહેલી વાર 45મી ઓવર શરુ થાય એ પહેલા ચેતવણી આપી હતી, ત્યાર બાદ 88મી ઓવર શરૂ થાય તે પહેલાં અમ્પાયરે પંતને બીજી વાર ચેતવણી આપી હતી. જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવની ઓવર વચ્ચે ફિલ્ડ ગોઠવવા પંતે વધુ સમય લીધો હતો.
દક્ષિણ આફ્રિકાની મજબુત શરૂઆત:
ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્પા બવુમાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાના બેટર્સે મજબુર પ્રદર્શન કરી રહ્યા છે, પહેલા દિવસની રમતના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 247 રન પર 6 વિકેટ હતો. આજે બીજા દિવસે પણ દક્ષિણ આફ્રિકાના બેટર્સ સારું પ્રદર્શન કરી રહ્યા છે, 125 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાએ 7 વિકેટ ગુમાવીને 358 રન બનાવી લીધા છે. સેનુરન મુથુસામી 75 રન બનાવીને રમી રહ્યો છે.
આપણ વાંચો: શુભમન-શ્રેયસની ગેરહાજરીમાં આ ખેલાડીને મળશે ODI કેપ્ટનશીપ



