ક્રિકેટને ઑલિમ્પિક્સમાં ફરી પ્રવેશ તો મળ્યો, પણ કઈ ટીમોને ક્વૉલિફાય કરવી એ મોટી મૂંઝવણ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ક્રિકેટને ઑલિમ્પિક્સમાં ફરી પ્રવેશ તો મળ્યો, પણ કઈ ટીમોને ક્વૉલિફાય કરવી એ મોટી મૂંઝવણ

નવી દિલ્હીઃ દર ચાર વર્ષે રમાતી ઑલિમ્પિક ગેમ્સ (Olympic Games)માં ક્રિકેટની સ્પર્ધા છેલ્લે છેક 1900ની સાલમાં રમાઈ હતી જેમાં ગ્રેટ બ્રિટને ફ્રાન્સને હરાવ્યું હતું, પરંતુ ત્યાર પછી 125 વર્ષમાં ક્યારેય ક્રિકેટની મૅચો ઑલિમ્પિક્સમાં નથી રમાઈ.

જોકે હવે 2028ની ઑલિમ્પિક્સમાં (128 વર્ષે) ક્રિકેટને રીએન્ટ્રી મળી છે, પણ એમાં કઈ ટીમોને રમવા માટે લાયક ઠરાવવી એ વિશે આયોજકો અવઢવમાં હોય એવું લાગે છે.

આ પણ વાંચો: 2036ની ઑલિમ્પિક્સ અમદાવાદમાં રાખવા ભારતનો સત્તાવાર દાવો

અમેરિકામાં 2028ની લૉસ ઍન્જલસ (LA) ઑલિમ્પિક્સ 14 જુલાઈથી 30 જુલાઈ સુધી યોજાશે અને એમાં (પુરુષો તથા મહિલાઓ માટેની) ટી-20 ક્રિકેટ (CRICKET) સ્પર્ધાઓ 12-30 જુલાઈ દરમ્યાન રમાશે. મહિલાઓ માટેની મેડલ મૅચ 20મી જુલાઈએ અને પુરુષોની ફાઇનલ 29મી જુલાઈએ રમાશે. ક્રિકેટ મૅચો સ્થાનિક સમય મુજબ સવારે 9.00 વાગ્યે (ભારતીય સમય મુજબ સાંજે 6.30 વાગ્યે) શરૂ થશે.

સિંગાપોરમાં ગુરુવાર, 17મી જુલાઈએ આઇસીસીની વાર્ષિક પરિષદ યોજાશે અને એમાં 2028ની ઑલિમ્પિક્સમાં કઈ ટીમ ક્વૉલિફાય થઈ શકશે એના પર ચર્ચા થશે. ઑલિમ્પિક્સ માટે ટીમોના રૅન્કિંગ્સને લાગુ કરવા કે પછી ઑલિમ્પિક્સમાં પ્રવેશ અપાવવા માટે અલગથી ક્વૉલિફિકેશન ટૂર્નામેન્ટ રાખવી એના પર વિચારોની આપ-લે થશે એવી સંભાવના છે. બીજું, સામાન્ય રીતે યજમાન દેશને ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ અપાય છે એ જોતાં અમેરિકાને આ ક્રિકેટ સ્પર્ધામાં ડાયરેક્ટ એન્ટ્રી આપવી પડે. જોકે છ દેશ વચ્ચેની ટી-20 સ્પર્ધામાં પાકિસ્તાન, ન્યૂ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા જેવા દેશોની બાદબાકી થઈ શકે એવામાં અમેરિકાને સીધો પ્રવેશ અપાતાં ગૂંચવણ ઊભી થઈ શકે. અમેરિકાને માત્ર મહિલાઓની સ્પર્ધામાં સીધી એન્ટ્રી આપવા પર પણ વિચારણા થઈ શકે.

આ પણ વાંચો: છેલ્લે 1900ની સાલની ઑલિમ્પિક્સની ક્રિકેટમાં જાણો છો, કોણે કોને હરાવ્યું હતું?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button