સત્તાવાર જાહેરાત કરાઈ, ‘આઇપીએલ ભારતમાં જ રમાશે, બાકીનું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરાશે’
નવી દિલ્હી: આગામી 19મી એપ્રિલથી પહેલી જૂન દરમ્યાન ભારતમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી થવાની હોવાથી આઇપીએલની બાકીની મૅચો યુએઇમાં રાખવાના પ્રયત્નો થઈ રહ્યા હોવા વિશે શનિવારથી મીડિયામાં અને ઇન્ટરનેટ પર વાઇરલ થયેલા અહેવાલને ધ્યાનમાં લઈને આઇપીએલના ચૅરમૅન અરુણ ધુમાલે રાત્રે અટકળોને ખોટી સાબિત કરતા જણાવ્યું હતું કે આ ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાશે.
આઇપીએલની પહેલી 21 મૅચનું સમયપત્રક જાહેર કરી દીધું છે. પહેલી મૅચ બાવીસમી માર્ચે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ તથા બૅન્ગલોર વચ્ચે રમાશે અને 21મી મૅચ સાતમી એપ્રિલે લખનઊ અને ગુજરાત વચ્ચે રમાવાની છે. ત્યાર પછીની મૅચોના ટાઇમટેબલની જાહેરાત હવે પછી કરવામાં આવશે. જોકે બે દિવસથી એવી અફવા ફેલાઈ હતી કે આઇપીએલની બાકીની મૅચો યુએઇમાં રાખવાની બીસીસીઆઇની યોજના છે એટલે એના કેટલાક અધિકારીઓ દુબઈ ગયા છે. અફવા એવી પણ હતી કે ખેલાડીઓને પોતપોતાનો પાસપોર્ટ સંબંધિત ફ્રૅન્ચાઇઝી પાસે જમા કરાવી દેવા કહેવામાં આવ્યું છે.
જોકે ધુમાલે બાબતને સ્પષ્ટ બનાવતાં શનિવારે કહ્યું, ‘આઇપીએલ ભારતમાં જ રમાશે. બીજે ક્યાંય નથી રમાવાની. અમે થોડા જ દિવસમાં બાકીની મૅચોનું શેડ્યૂલ જાહેર કરીશું.’
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે થોડા દિવસ પહેલાં જ પીટીઆઇને સ્પષ્ટપણે કહ્યું હતું કે આખી આઇપીએલ ભારતમાં રમાશે.
અગાઉ 2019માં સામાન્ય ચૂંટણી વખતે આખી આઇપીએલ ભારતમાં રમાઈ હતી.
2014ની ચૂંટણી પહેલાં યુપીએ સરકાર શાસનમાં હતી અને ત્યારની ચૂંટણી વખતે આઇપીએલનો પ્રથમ તબક્કો યુએઇમાં અને બાકીનો તબક્કો ભારતમાં રમાયો હતો.