ત્રીજી ટેસ્ટ માટે હવે આવ્યા આ મોટા ન્યૂઝ, આ ઘાતક બોલર ના રમી શકે…

નવી દિલ્હી: ભારતમાં રમવા આવેલી મહેમાન ટીમ ઇંગ્લેન્ડને ટેસ્ટ સિરીઝમાં હરાવીને જીત હાંસલ કરવા ભારતીય ટીમ મક્કમ છે. પરંતુ વિશાખાપટ્ટનમની ટેસ્ટમાં જીત હાંસલ કરનારી ભારતીય ટીમના સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહને લઇને મોટી ખબર આવી છે. રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ કદાચ ન રમે એવી શક્યતા છે.
મળેલી માહિતી મુજબ ત્રીજી ટેસ્ટમાં બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. જો આ નિર્ણય લેવાય તો ભારતીય ટીમે બુમરાહ વિના જ પોતાનું બૉલિંગ આક્રમણ સંભાળવું પડી શકે. ઉલ્લેખનીય છે કે બીજી ટેસ્ટમાં ભારત 106 રનથી વિજયી થયું હતું, તેમાં જસપ્રીત બુમરાહનો સિંહફાળો રહ્યો હતો. બુમરાહે પહેલી ઇનિંગમાં છ વિકેટ અને બીજી ઇનિંગમાં ત્રણ એમ મેચમાં કુલ 9 વિકેટ પોતાના નામે કરી હતી.
એક અહેવાલ મુજબ બુમરાહને પાંચેય ટેસ્ટ રમાડવામાં આવે તો તેની ફિટનેસ ઉપર અસર પડી શકે છે. બુમરાહની ફિટનેસને આંચ ન આવે એટલા માટે ટીમ મેનેજમેન્ટ તેને એક મેચ માટે આરામ આપવાનું વિચારી રહી છે. જેથી સિરીઝને છેલ્લી બે મેચમાં બુમરાહ પૂરી ફિટનેસ સાથે ફ્રેશ મૂડમાં પોતાના ખરા ફોર્મમાં રમી શકે અને ભારતને જીત અપાવી શકે.
ઉલ્લેખનીય છે કે બુમરાહે વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી ટેસ્ટમાં કરેલા જોરદાર દેખાવના કારણે તેને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે આ મેચમાં 33.1 ઓવરમાં 91 રન આપીને 9 વિકેટ લીધી હતી. પહેલી મેચમાં પણ બુમરાહે 20 ઓવર બોલિંગ કરી હતી.