હવે દુલીપ ટ્રોફીના પહેલા રાઉન્ડની મેચ બેંગલુરુમાં રમાશેઃ આ સ્ટાર ક્રિકેટર રમી શકે
બેંગલુરુઃ દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડની મેચ અનંતપુરના બદલે બેંગલુરુમાં રમાડવાનો ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે નિર્ણય લીધો છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને વરિષ્ઠ સ્પિનર રવિચંદ્રન અશ્વિન સિવાયના તમામ સિનિયર્સ ખેલાડીઓ દુલીપ ટ્રોફીમાં રમશે. સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માને છૂટ આપવામાં આવી શકે છે. ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો નિર્ણય સંપૂર્ણપણે તેમના પર છોડવામાં આવશે.
દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડની મેચોના બે સેટ 5 સપ્ટેમ્બરથી આંધ્ર પ્રદેશના અનંતપુરમાં યોજાવાના હતા, પરંતુ હવે લોજિસ્ટિક્સની સમસ્યાઓથી બચવા માટે તેમાંથી એક રાઉન્ડ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાશે. અનંતપુર બેંગલુરુથી 230 કિલોમીટર દૂર છે અને હવાઈ માર્ગે જોડાયેલ નથી.
આ પણ વાંચો : બાંગ્લાદેશ સામેની સિરીઝ પહેલા રોહિત-વિરાટ આ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે, શું છે સીલેક્ટર્સનો પ્લાન
કેટલાક ટોચના ખેલાડીઓની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરીને તેઓ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા લાલ બોલના ક્રિકેટનો અનુભવ કરી શકે.” ભારતે બાંગ્લાદેશ સામે 19 સપ્ટેમ્બરથી ચેન્નઈમાં અને 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં બે ટેસ્ટ રમવાની છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
રોહિત અને વિરાટ રમવા અંગે પોતાનો નિર્ણય લેશે પરંતુ રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, શ્રેયસ ઐય્યર, કુલદીપ યાદવ તેમાં રમે તેવી અપેક્ષા છે. બુમરાહ અને અશ્વિન બાંગ્લાદેશ સામેની શ્રેણી પહેલા સીધા જ ટીમ સાથે જોડાશે.
પસંદગીકારો પણ ઋષભ પંતને દુલીપ ટ્રોફીમાં રમતો જોવા માંગે છે. જો આવું થાય તો ડિસેમ્બર 2022માં કાર અકસ્માત બાદ તે તેની પ્રથમ રેડ-બોલ ટૂર્નામેન્ટ હશે. સર્જરી બાદ સ્વસ્થ થઈ રહેલો મોહમ્મદ શમી આ ટુનામેન્ટમાં રમશે નહીં.