આ ભારતીય ફાસ્ટ બોલરને લાંબો આરામ આપવામાં આવી શકે છે, શમીની વાપસી થશે?
મુંબઈ: શ્રીલંકા સામેની સિરીઝ બાદ ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) હાલમાં લાંબા બ્રેક પર છે. તમામ ખેલાડીઓ પોતપોતાના ઘરે છે અથવા ક્યાંક ફરવા નીકળી ગયા છે. ટીમ ઈન્ડિયા હવે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માટે મેદાનમાં ઉતરશે. જો કે આ પહેલા ખેલાડીઓ દુલીપ ટ્રોફી રમશે, જેમાં ભારતીય ટીમના મોટા સ્ટાર્સ પણ રમતા જોવા મળશે. પરંતુ ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સપ્ટેમ્બરમાં પણ મેદાનમાં નહીં જોવા મળે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ યોજાશે. દરમિયાન, જો કે ટેસ્ટ રમનારા ભારતના મોટા ખેલાડીઓ આ સિરીઝમાં રમશે, પરંતુ જસપ્રીત બુમરાહ કદાચ આ સિરીઝમાં રમતો નહીં જોવા મળે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ પણ દુલીપ ટ્રોફી રમતા જોવા મળી શકે છે, પરંતુ બુમરાહ દુલીપ ટ્રોફીમાં પણ જોવા મળશે નહીં.
માનવામાં આવી રહ્યું છે કે સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી બાંગ્લાદેશ સામેની શ્રેણી પહેલા ફિટ થઈ જશે. જો તે રમવા માટે તૈયાર થઈ જશે તો બુમરાહનો આરામ લગભગ નિશ્ચિત છે.
આ પણ વાંચો :બાંગ્લાદેશ સામેની સિરીઝ પહેલા રોહિત-વિરાટ આ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે, શું છે સીલેક્ટર્સનો પ્લાન
બાંગ્લાદેશની ટીમ ટેસ્ટમાં ભારતને ટક્કર આપી શકે એટલી મજબૂત જણાતી નથી. ઓક્ટોબરમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમશે અને ત્યાર બાદ નવેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાશે, જે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. બુમરાહને સીધો ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
સપ્ટેમ્બરમાં ટીમ મેદાનમાં પરત ફરશે ત્યાર બાદથી બેક ટુ બેક મેચો થશે, ત્યાર બાદ ટીમને આરામ મળવાની શક્યતા નહીં હોય. આવી સ્થિતિમાં, આ બ્રેક પણ ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. પરંતુ એ જોવાનું રહે છે કે દુલીપ ટ્રોફીમાં કયા ખેલાડીઓ રમે છે અને કોણ આરામ પર રહે છે. જો મોટા ખેલાડીઓ દુલીપ ટ્રોફી રમે છે તો દુલીપ ટ્રોફી પણ ખૂબ જ રસપ્રદ રહેશે.