પચીસમું ટાઇટલ જીતવા મક્કમ જૉકોવિચના `અઢારેય અંગ વાંકા’
ઘણી ઈજાઓ છતાં વિક્રમજનક 64મી ગ્રેન્ડ સ્લૅમ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચ્યો

ન્યૂ યૉર્કઃ પુરુષોની ટેનિસમાં સૌથી વધુ 24 ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલો સર્બિયાનો 38 વર્ષીંય ટેનિસ સુપરસ્ટાર નોવાક જૉકોવિચ રવિવારે વિક્રમજનક 64મી ગ્રેન્ડ સ્લૅમ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી તો ગયો, પરંતુ તેને અનેક પ્રકારની જે ઈજા છે એ જોતાં તે પચીસમું ટાઇટલ જીતવાનું સપનું પૂરું કરી શકશે કે કેમ એમાં શંકા છે.
રવિવારે જૉકોવિચે યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં વિશ્વના 144મા નંબરના યૅન-લેનાર્ડ સ્ટ્રફ સામે 6-3, 6-3, 6-2થી વિજય મેળવ્યો હતો. જોકે એ મૅચ દરમ્યાન જૉકોવિચને ખાસ તો ગરદન (Neck)માં દુખાવો થયો હતો.
આપણ વાંચો: સર્બિયાના જૉકોવિચને સ્પેનની મહાનગર પાલિકાએ દંડ કર્યો, કારણકે તેણે…
જૉકોવિચ ક્વૉર્ટર ફાઇનલમાં અમેરિકાના ટેલર ફ્રિત્ઝ સામે રમશે. જૉકોવિચને ગરદન ઉપરાંત ખભામાં પણ દુખાવો હતો અને તેણે ખભામાં પણ મસાજ કરાવ્યું હતું. જૉકોવિચે એક સેટ બાદ મસાજરને જમણા હાથ પર પણ મસાજ કરવા કહ્યું હતું.
વર્ષ 2025ની આ છેલ્લી ગ્રેન્ડ સ્લૅમ ટૂર્નામેન્ટની શરૂઆતમાં જૉકોવિચને પગમાં દુખાવો હતો. પ્રથમ રાઉન્ડમાં અમેરિકાના લર્નર ટિઍન સામેની મૅચમાં તેને પગમાં તકલીફ હતી તો ત્રીજા રાઉન્ડની મૅચ દરમ્યાન તેને પીઠના નીચલા ભાગમાં દુખાવો શરૂ થયો હતો.
જોકે તે એ મૅચ જીતીને ચોથા રાઉન્ડમાં પહોંચ્યો હતો જેમાં તેને ગરદન દુખવા લાગી હતી. સ્ટ્રફ સામેની એ મૅચ દરમ્યાન તે વારંવાર ઝટકા સાથે ગરદન હલાવતો જોવા મળ્યો હતો.
આપણ વાંચો: સિનર સામે સેમિમાં હાર્યા પછી જૉકોવિચે કહ્યું, ` હું હજી આવતા વર્ષે વિમ્બલ્ડનમાં રમીશ’
ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન જૉકોવિચે (Djokovic) પ્રથમ રાઉન્ડમાં અમેરિકાના લર્નર ટિઍનને 6-1, 7-3, 6-2થી હરાવ્યો હતો. બીજા રાઉન્ડમાં જૉકોવિચનો અમેરિકાના જ ઝાકેરી સ્વાયદા સામે 5-7, 6-3, 6-3, 6-1થી વિજય થયો હતો. ત્રીજા રાઉન્ડમાં જૉકોવિચે બ્રિટનના કૅમેરન નૉરીને 6-4, 4-7, 6-2, 6-3થી હરાવી દીધો હતો.
જૉકોવિચને શરીરના ઘણા ભાગોમાં દુખાવો છે, પણ તે પચીસમા ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ સુધી પહોંચવા મક્કમ છે. તેણે રવિવારે ક્વૉર્ટરમાં પહોંચ્યા પછી કહ્યું, ` હું રવિવારે ચોથા રાઉન્ડમાં જે રીતે રમ્યો એનાથી સંતુષ્ટ છું. મને તો આ ટૂર્નામેન્ટમાં મારો આ સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ લાગ્યો છે. આશા રાખું છું કે હું આ જ રીતે આગળ વધતો રહીશ.’