
સાશા
આમ તો દરેક ટૂર્નામેન્ટનો કોઈને કોઈ મુખ્ય વિજેતા હોય જ, કોઈને કોઈ ટીમના ખાતામાં ટાઇટલ જાય જ અને વિજેતા ટીમને તેમ જ સ્પર્ધામાં ભાગ લેનાર મોટા ભાગની ટીમોને કંઈક એવું નવું મળી જતું હોય છે જે તેમને ભવિષ્યમાં કામ લાગી શકે. તાજેતરમાં પૂરો થયેલો ટી-20 ફૉર્મેટનો એશિયા કપ ભારત માટે કહેવાય છેને કે `આન, બાન ઔર શાન’ જેવો બની ગયો હતો.
પાકિસ્તાન સામે એક કે બે નહીં, પણ ઇતિહાસમાં પહેલી જ વખત એક જ સ્પર્ધામાં એની સામે ત્રણ-ત્રણ મૅચ રમાવાની સંભાવના હતી અને એવું જ બન્યું. લીગ તબક્કામાં અને ત્યાર પછીના ઉપલા સ્તરે સુપર-ફોર રાઉન્ડમાં અને છેલ્લે ફાઇનલમાં પણ ભારતે કટ્ટર દુશ્મન-દેશની ટીમ સામે રમવાનો વખત આવ્યો હતો.
સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતની આ બેસ્ટ ટી-20 ટીમ હતી જેની સામે પાકિસ્તાનની ટીમ `બી’ ગ્રેડ જેવી હતી, પરંતુ પાકિસ્તાન સામે મુકાબલો હોય એટલે હાઇ-વૉલ્ટેજ તો કહેવાય જ અને ત્રણેય જંગ પહેલાં પરિસ્થિતિ તંગ થઈ ગઈ હતી. જોકે ભારતીયોએ ત્રણેય ટક્કરમાં એક પ્રકારે જીદ, સિદ્ધાંત અને દૃઢતાની જીત મેળવી હતી.
ટૂંકમાં, ભારતે એશિયા કપ ટૂર્નામેન્ટ માત્ર પોતાની શરતો પર જ નથી જીતી, ભારતે આ સ્પર્ધારૂપી સમુદ્રમાંથી બે હીરા પણ શોધી કાઢ્યા છે: અભિષેક શર્મા અને તિલક વર્મા. ફેબ્રુઆરી, 2026માં ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે અને એ પહેલાં ભારતે ટી-20 ટીમ વધુ મજબૂત કરી લીધી છે.
અભિષેક શર્મા આખી ટૂર્નામેન્ટમાં ખૂબ સારું રમ્યો અને હાઇએસ્ટ 314 રન કર્યા, પણ પાકિસ્તાન સામેની ફાઇનલમાં નહોતો ચમકી શક્યો. જોકે તિલક વર્મા આખી ટૂર્નામેન્ટમાં ઉપયોગી રમ્યો ત્યાર બાદ ફાઇનલમાં તે ભારતને જિતાડવાના જાણે સોગંદ ખાઈને આવ્યો હોય એ રીતે રમ્યો હતો, પાકિસ્તાની બોલર્સ તેની સામે ઊંઘતા ઝડપાઈ ગયા હતા અને અણનમ 69 રનની ઇનિંગ્સથી તિલક ભારતને એશિયા કપમાં ચૅમ્પિયન બનાવીને રહ્યો હતો.
અભિષેક શર્મા: પાવરપ્લેમાં તોફાન
અભિષેક શર્માએ એશિયા કપ જીતવાનો રસ્તો કંડારી આપ્યો, વિજેતાપદ નક્કી કરી આપ્યું અને છેલ્લે તિલક વર્મા ભારતને ચૅમ્પિયન બનાવીને જ રહ્યો
લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન અભિષેક શર્મા એશિયા કપમાં સૌથી મોટું આકર્ષણ બની ગયો હતો એમ કહીએ તો જરાય ખોટું નથી. તેણે સૌથી વધુ 314 રન કર્યા એ ઉપરાંત દુબઈના મેદાન પર વારંવાર છગ્ગાનો વરસાદ પણ તેણે વરસાવ્યો હતો. તે ફાઇનલમાં સારું નહોતો રમી શક્યો, પણ એશિયા કપ-2025ની જ્યારે પણ ચર્ચા થશે ત્યારે અભિષેક શર્માની ઝમકદાર ઇનિંગ્સ (30, 31, 38, 74, 75, 61 અને પાંચ રન)ની વાત જરૂર થશે.
ભારતે આ ટૂર્નામેન્ટમાં તમામ સાતેય મૅચ જીતી લીધી હતી અને એમાં અભિષેક ફક્ત ફાઇનલમાં સારું નહોતો રમી શક્યો. જોકે તેણે એ પહેલાં ભારતને ફાઇનલમાં પહોંચાડવામાં (બૅટ્સમેનોમાંથી) સૌથી મોટું યોગદાન આપ્યું હતું. 200.00 આસપાસ તેનો સ્ટ્રાઇક-રેટ હતો અને તેણે પાકિસ્તાન સહિતના દેશોના બોલર્સની ખબર લઈ નાખી હતી.
તેણે કુલ 19 છગ્ગા અને 32 ચોક્કા ફટકાર્યા હતા. કોઈ પણ ટી-20 ઇન્ટરનૅશનલ ટૂર્નામેન્ટમાં ભારત વતી સૌથી વધુ રન બનાવનારા ભારતીયોમાં અભિષેક માત્ર વિરાટ કોહલીથી પાછળ છે. અભિષેકે એશિયા કપમાં 314 રન કર્યા હતા, જ્યારે વિરાટે 2024ના વર્લ્ડ કપમાં 319 રન બનાવ્યા હતા. અભિષેક ગમે ત્યારે તેનો આ વિક્રમ તોડી નાખશે તો નવાઈ નહીં લાગે.
તિલક વર્મા: દબાણમાં પણ સંતુલન જાળવવામાં સૂત્રધાર
અભિષેક શર્માની માફક એશિયા કપ-2025નો બીજો ચમકતો સિતારો છે મિડલ-ઑર્ડર બૅટ્સમૅન તિલક વર્મા. તે આ ટૂર્નામેન્ટમાં એટલો બધો મહત્ત્વપૂર્ણ અને મૅચ-વિજેતાના રૂપમાં ઊભર્યો હતો કે જો ફાઇનલમાં તેણે જરા પણ દૃઢતા ગુમાવી હોત કે પોતાની ટૅલન્ટ પરથી લેશમાત્ર આત્મવિશ્વાસ પણ ગુમાવી દીધો હોત તો પાકિસ્તાન ફાઇનલ જીતી ગયું હોત અને ચૅમ્પિયનની ટ્રોફી (જે એસીસીના પાકિસ્તાની ચીફ મોહસિન નકવીના નાટકને પગલે નહોતી મળી) પાકિસ્તાનને પણ મળી ગઈ હોત.
એ સંજોગોમાં નવમી વખત કપ જીતવાનું ભારતનું સપનું અધૂરું રહી ગયું હોત. ફાઇનલમાં તે 53 બૉલ તો રમ્યો જ હતો અને એમાં તેણે ચાર સિક્સર તથા ત્રણ ફોર પણ ફટકારી હતી, તેણે એ એક મૅચમાં જ સાબિત કરી દીધું કે ભારતના નામાંકિત મૅચ-ફિનિશર્સમાં હવે તેનું નામ પણ જોડી દેજો.
તિલક ફાઇનલમાં જ્યારે ક્રીઝ પર આવ્યો ત્યારે ભારતીય ટીમ મોટી મુસીબતમાં હતી. પાકિસ્તાને આપેલો 147 રનનો લક્ષ્યાંક મેળવવા જતાં ભારતે માત્ર 20 રનમાં ત્રણ દિગ્ગજની વિકેટ ગુમાવી હતી. અભિષેક શર્મા, શુભમન ગિલ અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવ આઉટ થઈ ચૂક્યા હતા.
જોકે તિલકે પહેલાં તો 24 ઉપયોગી રન બનાવનાર સંજુ સૅમસન સાથે અને પછી ધમાકેદાર 33 રનનું યોગદાન આપનાર શિવમ દુબે સાથે મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરીને પાકિસ્તાનીઓનો જુસ્સો ધીમે-ધીમે તોડી નાખ્યો હતો. સૅમસન સાથે તિલકની 57 રનની અને પછી શિવમ સાથે 60 રનની પાર્ટનરશિપ થઈ હતી.
શિવમ દુબેએ 19મી ઓવરના અંતિમ બૉલ પર વિકેટ ગુમાવી ત્યાર બાદ ટૂર્નામેન્ટની આખરી ઓવરમાં ભારતે જીતવા 10 રન કરવાના હતા. શિવમની વિકેટ બાદ ક્રીઝમાં આવેલા રિન્કુ સિંહ પર પૂરો ભરોસો થઈ શકે એમ નહોતો, પણ તિલક મોજૂદ હતો એટલે જીત 100 ટકા સંભવ હતી. તિલકે પહેલાં બે રન દોડી લીધા અને બીજા બૉલમાં છગ્ગો ફટકારીને પાકિસ્તાનની આશા પર પાણી ફેરવી દીધું હતું.
બે બૉલમાં આઠ રન બનાવીને તિલકે ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓને હાશકારો અપાવ્યો હતો અને ત્રીજા બૉલ પર એક રન દોડીને સ્કોર લેવલ કરી આપ્યો હતો. એ તબક્કે સુપર ઓવરની નજીવી સંભાવના હતી, પરંતુ રિન્કુ સિંહ હોય પછી કહેવું જ શું. તેણે ઓવરના ચોથા બૉલમાં વિનિંગ ફોર ફટકારીને ખેલ ત્યાં જ ખતમ કરી આપ્યો હતો.
એક એશિયા કપ ટૂર્નામેન્ટે ભારતને આવનારાં ઘણાં વર્ષો માટેના બે મૅચ-વિનર અપાવ્યા છે. ઓપનિંગમાં અભિષેકની આક્રમકતાની બોલબાલા છે, જ્યારે તિલકની પરિપકવતાના ભરપૂર વખાણ થઈ રહ્યા છે. આશા રાખીએ, આઇપીએલની દેન સમાન આ બે ચમકતા સિતારા આગામી ફેબ્રુઆરીના વર્લ્ડ કપ સુધી ફૉર્મ જાળવી રાખશે. જો એવું થશે તો ભારત ત્રીજી વખત ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી પર પોતાનું નામ લખાવશે અને એ પણ પહેલી વાર ઘરઆંગણે. ઑલ ધ બેસ્ટ.
આ પણ વાંચો…સ્પોર્ટ્સવુમનઃ વર્લ્ડ કપ ટ્રોફી ઘરઆંગણે આવી ગઈ છે, હવે તો પહેલી વખત જીતી જ લો