હરીફ ટીમ કોઈ પણ હોય, પ્રભુત્વ તો અમારું જ: હરમનપ્રીત કૌર
મહિલાઓના સાતેય એશિયા કપ ભારતે જીત્યા છે, શુક્રવારે સાંજે 7.00 વાગ્યાથી ભારત-પાકિસ્તાનની ટક્કર
દામ્બુલા: મહિલાઓની આઠ ટી-20 ટીમ વચ્ચે શુક્રવારે શ્રીલંકામાં એશિયા કપ શરૂ થઈ રહ્યો છે અને એમાં પહેલા જ દિવસે કટ્ટર હરીફ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો (સાંજે 7.00 વાગ્યાથી) થશે. આ ટૂર્નામેન્ટની પૂર્વસંધ્યાએ (ગુરુવારે સાંજે) તમામ ટીમોની કૅપ્ટનોએ એશિયા કપની ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. ભારતની કૅપ્ટન હરમનપ્રીત કૌરે દામ્બુલા ખાતેની પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ‘અમારી સામે કોઈ પણ હરીફ ટીમ આવશે, પણ પ્રભુત્વ તો અમારું જ રહેશે. અમે આ એશિયા કપનો આગામી ટી-20 વર્લ્ડ કપના મંચ તરીકે ઉપયોગ કરીશું. અમે એશિયા કપ અને વર્લ્ડ કપ, બન્નેમાં અમારો પર્ફોર્મન્સ સુધારતા રહીશું.’
બે વર્ષ પહેલાના ટી-20 એશિયા કપમાં ભારતનો પાકિસ્તાન સામે પરાજય થયો હતો, પરંતુ ત્યાર પછી ટ્રોફી તો ભારતે જ જીતી લીધી હતી. એના આગલા વર્ષે વન-ડેના વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.
આ પણ વાંચો: હરમનપ્રીત કૌર વિશ્વની એવી પહેલી કૅપ્ટન બની ગઈ જે…
2004માં વિમેન્સ એશિયા કપની શરૂઆત થઈ અને ત્યારથી માંડીને અત્યાર સુધીના તમામ સાત એશિયા કપ (ટી20 તથા વન-ડે ફૉર્મેટ) ભારતે જીતી લીધા છે.
એશિયા કપમાં સૌથી વધુ મૅચો પણ ભારતે જીતી છે. ભારત 20 મૅચ રમ્યું છે જેમાંથી 17માં જીત્યું છે. પાકિસ્તાન સામે ભારતીય મહિલા ટીમ આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં કુલ 14 મૅચ રમ્યું છે જેમાંથી 11 જીત્યું છે અને ત્રણ હાર્યું છે.
આજની મૅચમાં હરમનપ્રીત કૌરની હરીફ સુકાની નિદા દર છે જે પાકિસ્તાનની ટોચની ઑલરાઉન્ડર પણ છે.
આજે પ્રથમ મૅચ નેપાળ-યુએઇ વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટની અન્ય ટીમોમાં શ્રીલંકા, બંગલાદેશ, મલેશિયા અને થાઇલૅન્ડનો સમાવેશ છે.