આ ટીમ સેમિમાં જીતી હોવાથી હવે ભારત-પાકિસ્તાન મુકાબલો નહીં

મસ્કત: ઓમાનમાં એસીસી ઇમર્જિંગ એશિયા કપ-2024 ટૂર્નામેન્ટ ચાલે છે અને એમાં શુક્રવારે રમાયેલી પ્રથમ સેમિ ફાઇનલમાં પાકિસ્તાનની કારમી હાર થતાં હવે આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની સંભાવના પર પાણી ફરી વળ્યું હતું. અગાઉ એવું મનાતું હતું કે ભારત અને પાકિસ્તાન પોતપોતાની સેમિ ફાઇનલ જીતી જશે તો બન્ને વચ્ચે ફાઇનલમાં મુકાબલો થશે.
ભારતની શુક્રવારે મોડેથી અફઘાનિસ્તાન સામે જે બીજી સેમિ ફાઇનલ હતી એમાં અફઘાનિસ્તાને ચાર વિકેટે 206 રન બનાવીને તિલક વર્માના સુકાનમાં રમતી ભારતીય ટીમને 207 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
એ પહેલાં, પાકિસ્તાનની ‘પાકિસ્તાન શાહીન્સ’ નામની ટીમને શ્રીલંકાની ટીમે 21 બૉલ બાકી રાખીને સાત વિકેટે હરાવી હતી.
પાકિસ્તાન શાહીન્સે ઓપનર ઓમેઇર યુસુફના 68 રનની મદદથી નવ વિકેટે માત્ર 135 રન બનાવ્યા હતા. દુશાન હેમંથાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. શ્રીલંકન ટીમે આહન વિક્રમસિંઘેના અણનમ બાવન રન અને લાહિરુ ઉદારાના 43 રનની મદદથી 16.3 ઓવરમાં ત્રણ વિકેટે 137 રન બનાવીને વિજય મેળવ્યો હતો.