હવે ICC ટુર્નામેન્ટમાં પણ IND vs PAK હાઈવોલ્ટેજ મેચ નહીં યોજાય? BCCIએ ICCને લખ્યો પત્ર | મુંબઈ સમાચાર

હવે ICC ટુર્નામેન્ટમાં પણ IND vs PAK હાઈવોલ્ટેજ મેચ નહીં યોજાય? BCCIએ ICCને લખ્યો પત્ર

મુંબઈ: ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત છે. બંને દેશોની ક્રિકેટ ટીમો વચ્ચેની મેચ જોવા માટે ક્રિકેટ ચાહકોમાં હમેશા ઉત્સાહ હોય છે. વર્ષ 2013થી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી, બંને ટીમો માત્ર ICC અથવા ACC ઈવેન્ટ્સમાં જ આમને સામને જોવા મળે છે. એવામાં અહેવાલ છે કે હવે આ બન્ને ટીમો વચ્ચે ICC ઈવેન્ટ્સમાં પણ મેચ નહીં રમાઈ. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, BCCI એ મોટો નિર્ણય લીધો છે. BCCIએ ICC ને એક પત્ર લખ્યો છે.

એવા અહેવાલો છે કે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયાએ (BCCI) એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને પત્ર લખીને ICC ટુર્નામેન્ટ માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં ન રાખવા વિનંતી કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI નથી ઇચ્છતું કે હવે ભારત અને પાકિસ્તાન ICC ટુર્નામેન્ટમાં એકબીજાની સામે રમે. જો બંને ટીમો સેમિફાઇનલ કે ફાઇનલમાં પહોંચે તો વાત અલગ હશે પણ ગ્રુપ સ્ટેજમાં બંને ટીમોને એક ગ્રુપમાં ન રાખવાની વિનંતી કરવામાં આવી છે.

અગામી ICC ઇવેન્ટ:

આગામી મોટી ICC ટુર્નામેન્ટ આ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં યોજવાની છે, ભારતમાં મહિલા ODI વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની મહિલા ટીમ આ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

આગામી ICC પુરુષ ક્રિકેટ ટુર્નામેન્ટ વર્ષ 2026 માં ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાશે. ભારત અને શ્રીલંકામાં T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે.

એશિયા કપ 2025:

આ વર્ષે જ પુરુષ ક્રિકેટ એશિયા કપનું પણ આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મેચ રમાય તેવી શક્યતા છે. ભારત અને પાકિસ્તાને હાલમાં ગ્રુપ A માં રાખવામાં આવ્યા છે, આ ગ્રુપ UAE અને હોંગકોંગ પણ છે.

ગ્રુપ Bમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને ઓમાન છે. ભારત એશિયા કપનું યજમાન છે, પરંતુ એક અહેવાલ મુજબ આખી ટુર્નામેન્ટ તટસ્થ સ્થળે યોજાવામાં આવી શકે. એ પણ જોવાનું રહેશે કે શું ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં એક જ ગ્રુપમાં રહે છે કે પછી આ અંગે કોઈ નિર્ણય લઈ શકાય છે કારણ કે ટુર્નામેન્ટનું શેડ્યૂલ હજુ સુધી જાહેર થયું નથી.

2008માં 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા પછી ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી, જોકે પાકિસ્તાનની ટીમ છલ્લે 2012-13માં ભારતના પ્રવાસ પર આવી હતી. 2008 માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની પહેલી સીઝન બાદ ભારતે પાકિસ્તાની ખેલાડીઓને તેમાં રમવાની મંજૂરી આપી નથી.

છેલ્લા દાયકામાં પઠાણકોટ, ઉરી, પુલવામામાં થયેલા હુમલા બાદ બંને દેશોના સંબંધો વધુ બગડ્યા. જો કે, આ તણાવપૂર્ણ સમયગાળા દરમિયાન, બંને પક્ષો તટસ્થ સ્થળોએ ICC ઇવેન્ટ્સમાં એકબીજા સામે મેચ રમતી રહી.

આ પણ વાંચો…આઈપીએલ-2025માં જોવા મળતા રોબોટ ડોગનું નામ શું છે, જાણો છો?

Back to top button