ભારતના ઘણા શહેરોમાં વધી રહલા વાયુ પ્રદૂષણને કારણે લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર થઇ રહી છે. ઘણા શહેરોમાં ખરાબ હવાના કારણે લોકો શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. ખાસ કરીને દિલ્હી-મુંબઈ જેવા મેગા શહેરોમાં હવાની નબળી ગુણવત્તા ચિંતાનો વિષય બની છે. જેને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મહત્વનો નિર્ણય નિર્ણય લીધો છે. દિલ્હી અને મુંબઈમાં યોજાનારી આગામી વર્લ્ડકપ મેચોમાં આતશબાજી કરવામાં નહિ આવે. રોહિત શર્માએ ગઈકાલે મુંબઈની હવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
BCCI સેક્રેટરી જય શાહે આ નિર્ણય અંગે જાણકારી આપી હતી. જાય શાહે એક જણાવ્યું હતું કે મેં આ મામલો ઔપચારિક રીતે ICC સમક્ષ ઉઠાવ્યો હતો. ત્યાર બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે મુંબઈ અને દિલ્હીમાં યોજાનારી મેચોમાં ફટાકડા ફોડવામાં આવશે નહીં કારણ કે તેનાથી પ્રદૂષણનું સ્તર વધુ વધી શકે છે. બોર્ડને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ અંગે ચિંતા છે. બોર્ડ ચાહકોના સ્વાસ્થ્ય અને સલામતીનું ધ્યાન રાખશે.
ભારતીય ક્રિકેટ ટીમની આગામી મેચ આવતી કાલે 2 નવેમ્બરના રોજ શ્રીલંકા સામે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં રમાશે. જ્યારે દિલ્હીમાં આગામી 6 નવેમ્બરના રોજ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, 31 ઓક્ટોબરે મુંબઈમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 172 હતો. જે ‘મીડિયમ’ કેટેગરીમાં આવે છે. જ્યારે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં AQI 260 પર પહોંચ્યો હતો. આવી સ્થિતિમાં ગઈ કાલે બોમ્બે હાઈકોર્ટે શહેરમાં હવાની ગુણવત્તામાં બગાડ અંગે સુઓ-મોટો લીધો હતો અને ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે આ મામલે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.
શ્રીલંકા સામેની મેચ માટે ભારતીય ટીમ 31 ઓક્ટોબરે મુંબઈ પહોંચી હતી. મુંબઈમાં હવાની ગુણવતા અંગે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ફ્લાઈટમાંથી લીધેલી તસવીર ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પર પોસ્ટ કરી છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું, ‘મુંબઈ, શું થઇ ગયું?’
દિલ્હીમાં તો હાલત ખૂબ જ ખરાબ છે. 1 નવેમ્બરના રોજ આનંદ વિહારમાં AQI 736 નોંધાયું હતું. જે સ્વાસ્થ્ય માટે અત્યંત ખતરનાક છે. દિલ્હીમાં સરકારે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. ગ્રીન ફટાકડા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે. અહેવાલો અનુસાર, 2020 પછી પહેલીવાર દિલ્હીની હવાની ગુણવત્તામાં આટલો ઘટાડો આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જોવા મળ્યો છે.