પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આઇસીસી, બીસીસીઆઇ સાથે લડી લેવાના મૂડમાંઃ લૂલો દાવો કર્યો
કરાચીઃ ગયા વર્ષે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ વન-ડેના વર્લ્ડ કપ પહેલાં પોતાને ત્યાંની એશિયા કપ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મૉડલ પર રાખવી જ પડી હતી. એટલે કે ભારતની મૅચો શ્રીલંકામાં રાખવા પાકિસ્તાને મજબૂર થવું પડ્યું હતું અને હવે આગામી ફેબ્રુઆરીમાં પોતાને ત્યાં વન-ડેની જે ચૅમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે એ પણ એણે હાઇબ્રિડ મૉડલ પર જ રાખવી પડશે.
જોકે શનિવારે મળેલા એક અહેવાલ મુજબ પીસીબી આ મુદ્દે આઇસીસી (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ) અને બીસીસીઆઇ (બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા) સાથે લડી લેવાના મૂડમાં છે.
વાત એવી છે કે ભારતનું સ્પષ્ટ વલણ છે કે ચૅમ્પિયન્સ ટ્રોફીની મૅચો રમવા માટે ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન નહીં જ મોકલવામાં આવે. જોકે પીસીબી એવી હઠ પકડીને બેઠું છે કે ચૅમ્પિયન્સ ટ્રોફીનું પોતે સંપૂર્ણ યજમાન છે અને આ ટૂર્નામેન્ટની મૅચો પાકિસ્તાનની બહાર નહીં રાખવામાં આવે.
આપણ વાંચો: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ફરી વિવાદમાં: ગેરી કર્સ્ટને કોચ પદથી રાજનામું આપ્યું, જાણો શું છે કારણ
આવો લૂલો દાવો પીસીબીના ચૅરમૅન મોહસિન નકવીએ કર્યો છે. તેમણે કહ્યું છે કે `ભારત પોતાની ટીમને આ ટૂર્નામેન્ટ માટે નહીં મોકલે તો કાંઈ નહીં, પાકિસ્તાનની બહાર આ સ્પર્ધાની એકેય મૅચ નહીં રમાય.’
બે દિવસ પહેલાં એવો અહેવાલ ફેલાયા હતો કે ભારતની મૅચો દુબઈમાં રાખી શકાશે.
હકીકતમાં ભારતની ટીમ જો કોઈ પણ ટૂર્નામેન્ટમાં ન રમવાની હોય તો એ ટૂર્નામેન્ટ અસરહીન થઈ જતી હોય છે. ટીમ ઇન્ડિયા વિના કોઈ ટૂર્નામેન્ટ રાખવી આઇસીસીને પરવડે જ નહીં, કારણકે આઇસીસી-પ્રેરિત સ્પર્ધાઓમાં 70 ટકા કમાણી ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓ અને સ્પૉન્સર્સ તથા બ્રૉડકાસ્ટર્સને કારણે થતી હોય છે.
પાકિસ્તાન 2017ની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ચૅમ્પિયન બન્યું હતું. નવાઈની વાત એ છે કે દાયકાઓથી ભારત-વિરોધી આતંકવાદીઓને પંપાળતા પાકિસ્તાનમાં આઇસીસી ઇવેન્ટ છેલ્લે 1996માં (28 વર્ષ પહેલાં) યોજાઈ હતી. એ વન-ડેનો વર્લ્ડ કપ સંયુક્ત રીતે ભારત અને શ્રીલંકામાં પણ યોજાયો હતો અને શ્રીલંકાએ એમાં વિજેતાપદ મેળવ્યું હતું.
2008માં મુંબઈ ટેરર-અટૅક બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો બગડ્યા છે અને પાકિસ્તાનની નફ્ફટાઇ હજી પણ ઓછી નથી થઈ. ભારતના કાશ્મીરમાં પાકિસ્તાન હજી પણ આતંકવાદીઓને મોકલતું રહ્યું છે. આ સ્થિતિમાં ભારત પોતાના ક્રિકેટર્સને પાકિસ્તાન મોકલે એ સંભવ જ નથી.