નીતીશ રેડ્ડીનું સિલેક્શન સતતપણે ચર્ચાના ચકડોળે રહ્યું છે

નવી દિલ્હીઃ પેસ બોલિંગ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી (Nitish Kumar Reddy) હાલમાં ટૉક ઑફ ધ ટાઉન છે, કારણકે ટીમમાં તેના સિલેક્શન તેમ જ બાદબાકી વિશે સમયાંતરે ચર્ચા થતી જ રહેતી હોય છે અને ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝ અડધી પૂરી થવા આવી એમ છતાં હજી પણ ટીમમાં તેના સમાવેશના મુદ્દે સામસામી પ્રતિક્રિયાઓ મીડિયામાં વાઇરલ થતી રહી છે. સુબ્રમણ્યમ બદરીનાથ અને કે. શ્રીકાંતે નીતીશ રેડ્ડીને ટીમમાં લેવાના નિર્ણયની ટીકા કરી છે.
અજિત આગરકરના અધ્યક્ષસ્થાનવાળી સિલેક્શન કમિટીના કેટલાક નિર્ણયો ચર્ચાસ્પદ રહ્યા છે. શુભમન ગિલને ટેસ્ટ ઉપરાંત વન-ડેનો પણ સુકાની બનાવવામાં આવ્યો તેમ જ અમુક ખેલાડીઓને આડકતરી રીતે જરૂર કરતાં વધુ પીઠબળ આપવાના મુદ્દે આ સમિતિની ટીકા થઈ છે. ખુદ આગરકર વિદેશી ટૂર દરમ્યાન મૅચ પહેલાં મેદાન પર જોવા મળ્યો એ મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે.

આગરકરે લેવડાવ્યો, ગંભીરે બાકાત રખાવ્યો?
હવે કહેવાય છે કે નીતીશ રેડ્ડીને આગરકર (Agarkar)ની સમિતિએ સ્ક્વૉડમાં લેવડાવ્યો, પણ હવે હેડ-કોચ ગૌતમ ગંભીર (Gambhir) તેને પ્લેઇંગ-ઇલેવનમાં નથી લેવા દેતો. આ અફવા હોઈ શકે, પણ ચીફ સિલેક્ટર અને હેડ-કોચ પર સમયાંતરે જે તીર છોડવામાં આવ્યા એમાં આ પણ એક નિશાન હોઈ શકે.
હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં નીતીશ રેડ્ડીને ભારતની છેલ્લી ત્રણ સિરીઝ માટેની સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તેને ભાગ્યે જ રમવા મળ્યું છે. કોઈ પણ ખેલાડીને પ્લેઇંગ-ઇલેવનમાં સામેલ કરવાનું કામ ટીમ-મૅનેજમેન્ટનું હોય છે અને એ મૅનેજમેન્ટમાં કૅપ્ટન, હેડ-કોચ તથા ટીમના વરિષ્ઠ ખેલાડીઓનો સમાવેશ હોય છે.
બદરીનાથની શું દલીલ છે?
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુબ્રમણ્યમ બદરીનાથે ઋતુરાજ ગાયકવાડને બદલે નીતીશ રેડ્ડીને ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડે ટીમમાં સમાવવાના નિર્ણયને વખોડ્યો છે. બદરીનાથે એક મુલાકાતમાં કહ્યું છે, ` ટીમમાં ઑલરાઉન્ડર તરીકે રવીન્દ્ર જાડેજા છે જ. નીતીશને બદલે ઋતુરાજ ગાયકવાડને લેવો જોઈતો હતો.’
ગાયકવાડ પાછલી વન-ડે સિરીઝની બીજી મૅચમાં 105 રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. તેણે વિજય હઝારે ટ્રોફીમાં ઉત્તરાખંડ વિરુદ્ધ સેન્ચુરી (124 રન) પણ ફટકારી હતી.
નીતીશ ઑલરાઉન્ડર કહેવાય જ નહીંઃ શ્રીકાંત
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કે. શ્રીકાંતે ત્યાં સુધી કહ્યું છે કે ` નીતીશ રેડ્ડીને ઑલરાઉન્ડર ગણાવો છો એ જ ખોટું છે. તે કઈ રીતે ઑલરાઉન્ડર કહેવાય એ કોઈ મને કહેશે? મને તો ડર છે કે આગળ જતાં તેને બોલિંગ અપાશે તો હરીફ ટીમના બૅટ્સમેનો ચારેય દિશામાં બૉલને બાઉન્ડરી લાઇનની બહાર મોકલશે. નીતીશને ઑલરાઉન્ડર તરીકે ટીમમાં સમાવવા પાછળનું તથ્ય શું છે એ જ મને નથી સમજાતું. શા માટે નીતીશને હાર્દિક પંડ્યાનો વિકલ્પ ગણાવો છો? હાર્દિક તો બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેયમાં ખૂબ ઉપયોગી હોય છે. શું નીતીશને પ્લેઇંગ-ઇલેવનમાં સ્પેશ્યાલિસ્ટ બોલર તરીકે ફિટ કરી શકાય? તે એક મૅચમાં સતતપણે પાંચથી છ ઓવર બોલિંગ કરી નહીં શકે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તેનો રેકૉર્ડ સારો નથી. તેને બદલે અક્ષર પટેલને ઑલરાઉન્ડર તરીકે લઈ શકાય.’
આપણ વાંચો: આઇસીસીના આદેશ છતાં બાંગ્લાદેશ ટસનું મસ નથી થતું, માત્ર બે વિકલ્પ છે એના ક્રિકેટરો પાસે



