બીજી ટેસ્ટમાં નીતીશ રેડ્ડીને બોલિંગ કેમ ન આપી?: આકાશ ચોપડાનો અણિયાળો સવાલ…

હેડ-કોચ ગૌતમ ગંભીરે નીતીશના મુદ્દે વધેલી ચર્ચામાં પોતાનો અભિગમ સ્પષ્ટ કરતા કહી દીધું કે…
નવી દિલ્હીઃ બાવીસ વર્ષનો નીતીશ કુમાર રેડ્ડી પેસ બોલિંગ ઑલરાઉન્ડર છે તેને વેસ્ટ ઇન્ડિઝ સામે મંગળવારના અંતિમ દિવસે પૂરી થયેલી બે મૅચની ટેસ્ટ સિરીઝમાં માંડ ચાર ઓવર બોલિંગ કરવા મળી હતી અને એ બદલ ભારતના ભૂતપૂર્વ ઓપનર તથા સ્પષ્ટવક્તા આકાશ ચોપડાએ એક જાણીતી ક્રિકેટ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં બે અણિયાળા સવાલ પૂછ્યા છે કે ` મને એ નથી સમજાતું કે બીજી ટેસ્ટમાં નીતીશ રેડ્ડીને કેમ એક પણ ઓવર બોલિંગ નહોતી અપાઈ? એ નિર્ણય કૅપ્ટન શુભમન ગિલનો હતો કે હેડ-કોચ ગૌતમ ગંભીરનો પણ?’
ટોચના ત્રણમાંથી બે સ્પિનર
કૅરિબિયનો સામેની સિરીઝમાં ભારતના સ્પિનર્સ વધુ અસરદાર સાબિત થયા હતા. બોલર્સમાં ટોચના ત્રણ સ્થાને ભારતીય બોલર હતા જેમાંથી બે સ્પિનર હતાઃ કુલદીપ યાદવ (12 વિકેટ), મોહમ્મદ સિરાજ (10 વિકેટ) અને રવીન્દ્ર જાડેજા (8 વિકેટ).
યશસ્વીને એક ઓવર અપાઈ, પણ નીતીશને…
પ્રથમ દાવમાં ભારત (India)ના 5/518 ડિક્લેર્ડના સ્કોર બાદ વેસ્ટ ઇન્ડિઝ 248 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું, પરંતુ ભારતે ફૉલો-ઑન આપ્યા બાદ બીજા દાવમાં કૅરિબિયનોએ બે બૅટ્સમેન (જૉન કૅમ્પબેલ 115 રન અને શેઇ હોપ 103 રન)ની સેન્ચુરીની મદદથી 390 રન કર્યા હતા.
બે દાવમાં તેઓ કુલ મળીને 200.4 ઓવર રમ્યા હતા જેમાં નીતીશ રેડ્ડીને એક પણ ઓવર બોલિંગ નહોતી અપાઈ. ભારત આ મૅચ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી જીતી ગયું, પરંતુ નીતીશને બોલિંગ ન અપાઈ એ મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો છે. બીજા દાવમાં યશસ્વી જયસ્વાલને એક ઓવર અપાઈ હતી, પણ નીતીશને બોલિંગના રન-અપથી દૂર રખાયો હતો.
ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડમાં ચમક્યો હતો!
અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં નીતીશ (Nitish)ને ચાર ઓવર બોલિંગ અપાઈ હતી, પણ દિલ્હીની બીજી મૅચમાં ખરા સમયે એકેય ઓવર નહોતી અપાઈ. નીતીશે ટૂંકી ટેસ્ટ કરીઅરમાં દિલ્હીની ટેસ્ટ અગાઉની આઠ ટેસ્ટમાં કુલ 76 ઓવર બોલિંગ કરી હતી અને એમાં કુલ આઠ વિકેટ લીધી હતી.
જાન્યુઆરી, 2025માં તેણે સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ (Test)ના પ્રથમ દાવમાં ઉપરાઉપરી બે ઓવરમાં પૅટ કમિન્સ તથા મિચલ સ્ટાર્કની વિકેટ લીધી હતી. જુલાઈ, 2025માં તેણે લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડના પહેલા દાવમાં બન્ને ઓપનર બેન ડકેટ (23 રન) અને બેન ડકેટ (18 રન)ને એક જ ઓવરમાં પૅવિલિયન ભેગા કર્યા હતા. તાજેતરના જ આ પર્ફોર્મન્સ છતાં તેને સોમવારે વેસ્ટ ઇન્ડિઝના બીજા દાવમાં એક પણ ઓવર નહોતી અપાઈ.
બીજા દાવમાં ભારતીય બોલર્સ થોડા મુશ્કેલીમાં મૂકાયા હતા. બે સેન્ચુરિયનો કૅમ્પબેલ અને શેઇ હોપ વેસ્ટ ઇન્ડિઝનો સ્કોર 35 રન પરથી 212 રન સુધી લઈ ગયા હતા એમ છતાં 177 રનની તેમની એ ભાગીદારી દરમ્યાન નીતીશને બોલિંગ નહોતી અપાઈ.

આકાશ ચોપડાએ કહ્યું છે કે ` અમદાવાદની પ્રથમ ટેસ્ટમાં નીતીશને બૅટિંગ નહોતી કરવા મળી અને દિલ્હીની બીજી ટેસ્ટમાં બોલિંગ ન કરવા મળી. તે આ સિરીઝમાં ઑલરાઉન્ડર તરીકે લેવામાં આવ્યો હતો, પણ તેને બોલિંગ ન અપાઈ. સોમવારે આપણા તમામ બોલર્સ સંઘર્ષ કરી રહ્યા હતા તો પછી નીતીશને કેમ એકેય ઓવર ન અપાઈ?’
ગૌતમ ગંભીરનું શું કહેવું છે?
હેડ-કોચ ગૌતમ ગંભીરનું કહેવું છે કે નીતીશને બોલિંગ આપવી કે નહીં, એનો નિર્ણય કૅપ્ટન શુભમન ગિલ પર છોડવામાં આવ્યો હતો. ગંભીરે એક મુલાકાતમાં કહ્યું, ` ઘરઆંગણાની પરિસ્થિતિઓમાં યુવાન બોલરને તક અપાય એ જરૂરી છે. આપણી પાસે મોટી સંખ્યામાં પેસ બોલિંગ ઑલરાઉન્ડર નથી એટલે નીતીશ જેવા ખેલાડીની બોલિંગને મહત્ત્વ આપી શકાય. જોકે એ બધુ કૅપ્ટન પર અને હવામાન સહિતની પરિસ્થિતિ પર નિર્ભર કરતું હોય છે.’
આ પણ વાંચો…વેસ્ટ ઈન્ડિઝ સામે ક્લીન સ્વીપ બાદ ટીમ ઈન્ડિયા સતત ક્રિકેટ રમશે! જુઓ શેડ્યૂલ