સ્પોર્ટસ

નીતીશ રેડ્ડીની લડાયક સદીએ ટીમ ઇન્ડિયાને મોટી મુશ્કેલીમાંથી ઉગારી લીધી

વૉશિંગ્ટન સાથે 127 રનની યાદગાર ભાગીદારીઃ ભારતના નવ વિકેટે 358 રન

મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીની શરૂઆત પહેલાં નીતીશ રેડ્ડી ટેસ્ટ-ક્રિકેટમાં સાવ અજાણ હતો, પણ આજે તેણે ઑસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ (સવારે 5.00 વાગ્યાથી લાઇવ)ના ત્રીજા દિવસે લડાયક ખમીર બતાવીને જે દમદાર સદી ફટકારી એને કારણે સમગ્ર ક્રિકેટ જગતમાં છવાઈ ગયો છે.

તેણે વૉશિંગ્ટન સુંદર સાથેની આઠમી વિકેટ માટેની 127 રનની ઐતિહાસિક ભાગીદારીથી ભારતને ફૉલો-ઑનથી બચાવી લીધું હતું અને એક દાવથી જીતવાની સંભાવના સાથે રમી રહેલા ઑસ્ટ્રેલિયનોની આશા પર પાણી ફેરવી દીધું હતું. ત્રીજા દિવસની રમત વરસાદને કારણે વહેલી સમેટી લેવામાં આવી ત્યારે ભારતનો પ્રથમ દાવનો સ્કોર નવ વિકેટે 358 રન હતો.

21 વર્ષનો પેસ બોલિંગ ઑલરાઉન્ડર નીતીશ રેડ્ડી 176 બૉલમાં એક સિક્સર અને દસ ફોરની મદદથી 105 રન બનાવીને નૉટઆઉટ રહ્યો હતો. સ્પિન-ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર પણ યાદગાર ઇનિંગ્સ રમ્યો હતો અને તેણે 162 બૉલમાં એક ફોરની મદદથી 50 રન બનાવ્યા હતા.

આપણ વાંચો: મેલબર્નમાં મહાજંગઃ ભારત જીતશે તો ટ્રોફી રીટેન કરશે

બન્ને યુવાન ઑલરાઉન્ડરે 147 વર્ષ જૂની ટેસ્ટ-ક્રિકેટની 1877ની સાલની સૌપ્રથમ મૅચના ઐતિહાસિક મેદાન મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) પર ઑસ્ટ્રેલિયાના પડકારરૂપ બોલર્સનો સમજદારી તથા હિંમતથી સામનો કર્યો હતો અને 127 રનની પાર્ટનરશિપ કરીને ભારતને મોટી મુસીબતમાંથી ઊગાર્યું હતું.

તેમની 127 રનની પાર્ટનરશિપ ઑસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીયોની છેલ્લી ત્રણ વિકેટ માટેની ભાગીદારીઓમાં બીજા નંબરે છે. સચિન તેન્ડુલકર અને હરભજન સિંહ વચ્ચે 2008માં સિડનીમાં આઠમી વિકેટ માટે 129 રનની ભાગીદારી થઈ હતી.

એકંદરે, ઑસ્ટ્રેલિયા સામે છેલ્લી ત્રણ વિકેટ માટેની (આઠમા, નવમા, દસમા સ્થાન માટેની) તમામ પાર્ટનરશિપમાં આ સંયુક્ત રીતે ત્રીજા નંબરે છે. 2013માં ધોની-ભુવનેશ્વર વચ્ચે ચેન્નઈમાં નવમી વિકેટ માટે 140 રનની, 2008માં સચિન-હરભજન વચ્ચે આઠમી વિકેટ માટે સિડનીમાં 129 રનની અને 1979માં ઘાવરી-કિરમાણી વચ્ચે વાનખેડેમાં આઠમી વિકેટ માટે 127 રનની ભાગીદારી થઈ હતી.

ઑસ્ટ્રેલિયાના પહેલા દાવમાં 474 રન હતા એટલે ભારત હવે તેમનાથી માત્ર 116 રન પાછળ છે. એક સમયે ભારતે 159 રનમાં પાંચ વિકેટ ગુમાવી ત્યારે એવું લાગતું હતું કે ફૉલો-ઑન થવું પડશે. જોકે નીતીશ રેડ્ડી અને વૉશિંગ્ટને ટીમની આબરૂ સાચવી લીધી. આજની રમત શરૂ થઈ ત્યારે ફૉલો-ઑનથી બચવા 111 રન જરૂરી હતા.

આપણ વાંચો: ઑસ્ટ્રેલિયન અખબારે વિરાટ કોહલીને ‘કલાઉન કોહલી’ કહ્યો, ‘કર્મ’ની હેડલાઇનથી નિશાન બનાવ્યો…

રમતના આરંભમાં ભારતનો સ્કોર પાંચ વિકેટે 164 રન હતો. રિષભ પંત છ રને અને રવીન્દ્ર જાડેજા ચાર રને રમી રહ્યો હતો. 191 રનના સ્કોર પર પંત 28 રનના પોતાના સ્કોર પર સ્કૉટ બૉલેન્ડના બૉલમાં ખોટા શૉટ સિલેક્શનમાં લેગ ગલીમાં નૅથન લાયનને કૅચ આપી બેઠો હતો.

ત્યાર પછી જાડેજા સાથે નીતીશ રેડ્ડી જોડાયો હતો. જોકે 221 રનના ટીમ-સ્કોર પર જાડેજાનો લાયને એલબીડબ્લ્યૂમાં શિકાર કરી લેતાં ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. પછીથી નીતીશ-વૉશિંગ્ટનની જોડીએ ક્રીઝ પર ટકી રહીને ટીમને ફૉલો-ઑનનું વિઘ્ન પાર કરી આપ્યું હતું.

કૅપ્ટન પૅટ કમિન્સ તથા સ્કૉટ બૉલેન્ડે ત્રણ-ત્રણ વિકેટ અને નૅથન લાયને બે વિકેટ લીધી હતી. યશસ્વી જયસ્વાલ શુક્રવારે 82 રન બનાવીને રનઆઉટ થયો હતો. મિચલ સ્ટાર્કને 86 રનમાં અને મિચલ માર્શને 28 રનમાં વિકેટ નહોતી મળી.
એમસીજીની પિચ પર બોલર્સને ખાસ કંઈ મદદ નથી મળતી એટલે હવે ટેસ્ટમાં પરાજયથી બચવાનું ભારત માટે અઘરું નહીં કહેવાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button