આ ખાસ અંદાજમાં હાર્દિક પંડ્યાનું મુંબઈ ઈન્ડિયન્સમાં સ્વાગત કર્યું નીતા અંબાણીએ…

હાર્દિક પંડ્યાના પાલા બદલવાને કારણે આઈપીએલમાં માહોલ એકદમ ગરમાગરમીવાળો જોવા મળી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ બે વર્ષ સુધી ગુજરાત ટાઈટન્સ તરફથી રમ્યા બાદ આખરે પાછું મુંબઈ ઈન્ડિયન્સમાં કમબેક કર્યું છે. હાર્દિક પંડ્યાની આ ઘરવાપસીને ટીમની માલકણ નીતા અંબાણીએ ખાસ અંદાજમાં પોંખી છે. આવો જોઈએ કી રીતે હાર્દિકનું હાર્દિક સ્વાગત કર્યું તેમણે મુંબઈ ઈન્ડિયન્સમાં…

નીતા અંબાણીએ હાર્દિક પંડ્યાની વાપસી પર કહ્યું હતું કે હાર્દિકની ઘરવાપસી પર અમે લોકો ખૂબ જ રોમાંચિક છીએ. મુંબઈ ઈન્ડિયન્સ પરિવારમાં જોડાવવા બદલ હાર્દિકનું હાર્દિક સ્વાગત છે. મુંબઈ ઈન્ડિયન્સના યુવા ટેલેન્ટથી ભારતીય ટીમનો સ્ટાર પ્લેયર બનવા સુધી હાર્દિક પંડ્યાએ ખૂબ લાંબી સફર ખેડી છે અને મુંબઈ ઈન્ડિયન્સના ભવિષ્ય માટે ખૂબ જ ઉત્સુક છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સે 2022ની મેગા ઓક્શનમાં 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, એ પહેલાં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. ગુજરાતે ડેબ્યૂ સિઝનથી જ હાર્દિકને કેપ્ટન્સી સોંપી હતી અને ઓલરાઉન્ડરે તેની કેપ્ટન્સીવાળી ટીમને પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવી હતી.
ત્યાર બાદ 2023માં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાતની ટીમ રનર્સઅપ રહી હતી. હવે IPL 2024 પહેલા હાર્દિકે ગુજરાત છોડી દીધું છે. હાર્દિકના મુંબઈ ઈન્ડિયન્સમાં ગયા બાદ હવે ગુજરાત ટાઈટન્સે તેની ટીમની કેપ્ટનશિપ શુભમન ગિલને ગુજરાત ટાઈટન્સનો નવો કેપ્ટન બનાવ્યો છે.
અહીંયા તમારી જાણ માટે કે હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ માટે અનકેપ્ડ પ્લેયર તરીકે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે 2021 સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહ્યો. હાર્દિકે તેના આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી 123 મેચ રમી ચૂક્યો છે. 115 ઈનિંગ્સમાં બેટિંગ કરીને તેને 30.38ની એવરેજ અને 145.86ની સ્ટ્રાઈક રેટથી 2309 રન બનાવ્યા હતા. આ ઉપરાંત હાર્દિકે 81 ઈનિંગ્સમાં બોલિંગ કરતા 33.26ની એવરેજથી 53 વિકેટ મેળવી હતી.