ઇન્ટરનેશનલસ્પોર્ટસ

નાઇજિરિયાનો યુવાન 60 કલાક સુધી ચેસ રમ્યો એટલે આવી ગયો રેકૉર્ડ-બુકમાં

ન્યૂ યૉર્ક: એક કલાકમાં સૌથી વધુ 3,249 પુશઅપ્સ કરવાનો વિશ્ર્વવિક્રમ ઑસ્ટ્રેલિયાના ડેનિયલ સ્કેલીના નામે છે. સૌથી વધુ સંખ્યામાં નૉન-સ્ટૉપ પુશઅપ્સનો વર્લ્ડ રેકૉર્ડ જાપાનના મિનોરુ યોશિદાના નામે છે. જોકે આ તો થઈ શારીરિક કસરતની વાત. માનસિક કસરત ચેસની રમતમાં થતી હોય છે અને એમાં થયેલા એક રેકૉર્ડની વાત અહીં કરવાની છે.

નાઇજિરિયાના 29 વર્ષની ઉંમરના ટૂન્ડે ઑનાકોયા નામના યુવાને સતતપણે 60 કલાક સુધી ચેસ રમીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ અંકિત કરાવ્યું છે.

ઑનાકોયાએ ન્યૂ યૉર્ક શહેરના ટાઇમ્સ સ્ક્વેરમાં આ વિક્રમ નોંધાવ્યો હતો.

ઑનાકોયાએ 58 કલાક સુધી ચેસ મૅરથોનની યોજના વિચારી હતી, પરંતુ 60 કલાક સુધી પહોંચ્યો ત્યાં સુધી તેણે ચેસ રમવાનું ચાલુ રાખ્યું હતું અને શુક્રવારે મધરાત બાદ 12.40 વાગ્યે અગાઉનો વિક્રમ તૂટ્યો હતો. તેણે નોર્વેના હૉલવાર્ડ ફ્લેટેબો અને યૂર ફર્કિંગ્સ્ટૅડનો છ વર્ષ જૂનો 56 કલાક, નવ મિનિટ, 37 સેક્ધડનો રેકાર્ડ બ્રેક કર્યો હતો.

નવા રેકૉર્ડ માટે નાઇજિરિયાનો ચેસ ચૅમ્પિયન ઑનાકોયા અમેરિકાના ચેસ વિજેતા શૉન માર્ટિનેઝની સામે રમ્યો હતો. ઑનાકોયાએ રેકૉર્ડ બનાવવાને લગતા તમામ નિયમોનું બરાબર પાલન કર્યું હતું. દર કલાકે બન્ને પ્લેયરને પાંચ મિનિટના બ્રેક અપાયા હતા.

ઑનાકોયા આફ્રિકામાં અને ખાસ કરીને નાઇજિરિયામાં બાળકોને શિક્ષણ અપાવવા માટેનું અભિયાન ચલાવે છે અને એ મિશન પ્રત્યે જાગૃતિ લાવવા જ આ ચેસ મૅરથોનને તેણે માધ્યમ બનાવ્યું હતું. તે બાળકોના અભ્યાસ સંદર્ભમાં 10 લાખ ડૉલરનું ભંડોળ ઊભું કરવા માગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button