સ્પોર્ટસ

પાકિસ્તાનને 105 રનમાં આઉટ કરીને ન્યૂ ઝીલૅન્ડે સિરીઝ જીતી લીધી

56 રનમાં પાકિસ્તાનની આઠ વિકેટ પડી હતી, ડફી-ઝૅકારીએ ભેગા થઈને સાત વિકેટ લીધી

માઉન્ટ મૉન્ગેનુઇ (ન્યૂ ઝીલૅન્ડ): માઇકલ બ્રેસવેલના સુકાનમાં ન્યૂ ઝીલૅન્ડે (New Zealand) અહીં રવિવારે ચોથી ટી-20માં પાકિસ્તાનને 105 રનમાં આઉટ કરીને 115 રનના તોતિંગ માર્જિનથી હરાવીને સિરીઝની ટ્રોફી પર 3-1થી કબજો કરી લીધો હતો. પાંચ મૅચની આ શ્રેણીમાં હવે એક મૅચ બાકી છે જે બુધવારે વેલિંગ્ટનમાં રમાશે.

કિવી પેસ બોલર જૅકબ ડફી (4-0-20-4) અને ઝૅકારી ફૉક્સ (4-0-25-3) કિવી બોલિંગ આક્રમણના બે હીરો હતા. જોકે ઓપનિંગ બૅટર ફિન ઍલન (50 રન, 20 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર)ની બૅટિંગે કિવીઓની જીતનો પાયો નાખવામાં આવ્યો હતો અને ફિનને (Finn Allen) મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

આપણ વાંચો: ટી-20 અને વન-ડે ના ચેમ્પિયન કેપ્ટન રોહિતને ટેસ્ટમાં મળ્યું જીવતદાન, જાણો કેવી રીતે…

પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગાએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી ત્યાર બાદ ન્યૂ ઝીલૅન્ડે 20 ઓવરમાં છ વિકેટે 220 રન બનાવ્યા હતા. ફિન ઍલનના 50 ઉપરાંત સાથી ઓપનર ટિમ સીફર્ટે (44 રન, બાવીસ બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર) પણ ટીમના સ્કોરમાં મહત્ત્વનું યોગદાન આપ્યો હતું. ઍલન-સીફર્ટ વચ્ચે 59 રનની ભાગીદારી થઈ હતી.

ખુદ કૅપ્ટન બ્રેસવેલે (46 અણનમ, 26 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) પણ સ્કોરમાં ફાળો આપ્યો હતો. પાકિસ્તાન (Pakistan)ના બોલર્સમાં હૅરિસ રઉફે ત્રણ તેમ જ અબ્રાર અહમદે બે તથા અબ્બાસ આફ્રિદીએ એક વિકેટ લીધી હતી.

આપણ વાંચો: અફઘાનિસ્તાનના ટી-20ના રેકૉર્ડ-બે્રક ખેલાડીની બે વર્ષની પુત્રીનું નિધન

આ ડે-નાઇટ મૅચમાં પાકિસ્તાને સિરીઝની હારથી બચવા જીતવું ખૂબ જરૂરી હતું, પણ એણે ઇનિંગ્સના બીજા બૉલથી જ વિકેટ ગુમાવવાનું શરૂ કરી દીધું હતું. 43 રનમાં પાકિસ્તાનની સાત વિકેટ પડી ગઈ હતી.

56મા રન પર આઠમી વિકેટ પડી હતી અને ત્યારે એવું લાગતું હતું કે પાકિસ્તાન ટી-20માં પોતાના જ સૌથી નીચા સ્કોર (74)નો રેકૉર્ડ તોડશે. જોકે અબ્દુલ સામદે 30 બૉલમાં 44 રન બનાવીને ટીમને એ શરમજનક સ્થિતિથી બચાવી લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button