ત્રીજી વન-ડેમાં ન્યૂઝિલેન્ડનો સાત વિકેટથી વિજય: ૧૫ વર્ષ બાદ બંગલાદેશમાં જીતી વન-ડે સિરીઝ
મિરપુર: એડમ મિલ્નેની ચાર વિકેટ અને વિલ યંગની ૭૦ રનની મદદથી ત્રીજી વન-ડેમાં ન્યૂઝિલેન્ડે બંગલાદેશ સામે સાત વિકેટે વિજય મેળવ્યો હતો. મીરપુરમાં રમાયેલી મેચમાં બંગલાદેશે પ્રથમ બેટિંગ કરતા ૧૭૧ રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યૂઝિલેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને ૧૭૨ રન બનાવી મેચ જીતી લીધી હતી. આ સાથે જ ન્યૂઝિલેન્ડે ત્રણ મેચની સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી. શ્રેણીની પ્રથમ વનડે મેચ વરસાદના કારણે રમાઈ શકી ન હતી. ન્યૂઝિલેન્ડે ૧૫ વર્ષ બાદ બંગલાદેશમાં વન-ડે સિરીઝ જીતી હતી.
ન્યૂઝિલેન્ડ તરફથી ફિન એલન અને વિલ યંગે સારી શરૂઆત અપાવી હતી. ફિન એલન ૨૮ રન બનાવી આઉટ થયો હતો. બાદમાં ફોક્સક્રોફ્ટ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. જોકે વિલ યંગે ૭૦ રન બનાવી ટીમને જીત અપાવી હતી. મેચના અંતમાં હેનરી નિકોલસે અણનમ ૫૦ રન બનાવ્યા હતા.
અગાઉ બંગલાદેશની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બંગલાદેશની ટીમે આઠ રન પર બન્ને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે નઝમુલ હુસેન શાંતોએ એક છેડો સાચવી રાખ્યો હતો અને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી હતી. બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બેટ્સમેન નઝમુલ હુસેન શાંતોએ ન્યૂઝિલેન્ડ ક્રિકેટ ટીમ સામેની શ્રેણીની ત્રીજી ઘઉઈંમાં શાનદાર અડધી સદી (૭૬) ફટકારી હતી. આજની મેચમાં કેપ્ટનશિપ કરી રહેલા શાંતોની વનડે કારકિર્દીની આ ૫મી અને ન્યૂઝિલેન્ડ સામેની પ્રથમ અડધી સદી છે. તેની ઇનિંગ્સ છતાં પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી બંગલાદેશી ટીમ ૩૪.૩ ઓવરમાં માત્ર ૧૭૧ રનમાં જ ધ્વસ્ત થઈ ગઈ હતી.
શાંતોએ ૫૫ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે મુશફિકુર રહીમ સાથે ૫૩ રનની ભાગીદારી કરી અને મહમુદુલ્લાહ સાથે ૪૯ રનની ભાગીદારી પણ કરી હતી. શાંતો ૮૪ બોલમાં ૭૬ રન બનાવીને આઉટ થયો હતો. શાંતો સિવાય મહમુદુલ્લાહે ૨૧ રનની ઇનિંગ રમી હતી. બંગલાદેશના છ બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. બંગલાદેશની આખી ટીમ ફક્ત ૩૪.૩ ઓવરમાં ૧૭૧ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યૂઝિલેન્ડ તરફથી એડમ મિલ્ને સૌથી સફળ બોલર રહ્યો હતો., તેણે ૩૪ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. તે સિવાય ટ્રેટ બોલ્ડ અને મેન્કોઝીએ બે-બે વિકેટ ઝડપી હતી.