પેરિસ ઑલિમ્પિકસ શરૂ થતા પહેલા જ મચ્યો બબાલ!
પેરિસ ઓલિમ્પિક્સ હજુ શરૂ થવાની બાકી છે. પરંતુ તેમ છતાં આ વૈશ્વિક રમતગમતની ઘટનાને વિવાદે ઘેરી લીધો છે. પેરિસ ઑલિમ્પિકમાં ડ્રોનનો ઉપયોગ કરીને ન્યુઝીલેન્ડની મહિલા ફૂટબોલ ટીમની જાસુસી કરવાનો મામલો જાણવા મળ્યો છે. કેનેડાની ટીમ પર ન્યુઝીલેન્ડની મહિલા ફૂટબોલ ટીમના ખેલાડીઓની જાસુસી કરવાનો આરોપ છે.
ન્યુઝીલેન્ડ ઓલિમ્પિક કમિટી અને ન્યુઝીલેન્ડ ફૂટબોલ ટીમે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે કેનેડિયન મહિલા ફૂટબોલ ટીમના સ્ટાફના એક સભ્યએ તેમના પ્રશિક્ષણ સત્રમાં ડ્રોન ઉડાવ્યું હતું. ફરિયાદમાં ન્યુઝીલેન્ડ એમ પણ જણાવ્યું છે કે તેમના ખેલાડીઓની જાસુસી કરવામાં આવી રહી છે. કેનેડેની ટીમના સભ્ય દ્વારા આ ડ્રોન 22 જુલાઇએ ઉડાડવામાં આવ્યું હતું. તે સમયે ન્યુઝીલેન્ડની ટીમ સેન્ટ ઇટીનમાં પ્રેક્ટિસ કરી રહી હતી.
ડ્રોન ઑપરેટરની ઓળખ કેનેડાની ટીમના સપોર્ટ સ્ટાફ તરીકે કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીમાં ફરિયાદ બાદ કેનેડાની ટીમે આ ઘટના માટે માફી માગી છે અને તપાસની માગ કરી છે.
આ પણ વાંચો : આજથી Paris Olympics 2024ની સ્પોર્ટ્સ ઈવેન્ટ્સની શરૂઆત, જાણો આજનું શિડયુલ
ન્યુઝીલેન્ડની મહિલા ટીમ વિશ્વમાં 28મા ક્રમે છે, કેનેડા કરતા 20 સ્થાન પાછળ છે. કેનેડાએ ટોક્યો ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. ડિફેન્ડિંગ ઓલિમ્પિક ચેમ્પિયન કેનેડા અને ન્યુઝીલેન્ડ ગુરુવારે ઓલિમ્પિક ટૂર્નામેન્ટમાં તેમની પ્રારંભિક મેચમાં ટકરાશે.