બોલો, ન્યૂ ઝીલેન્ડના ક્રિકેટરે કર્યો મોટો વિસ્ફોટ, આજે પણ લોકો મને…
નવી દિલ્હીઃ આ વખતના આઈસીસી વર્લ્ડ કપની સેમી ફાઈલની ટક્કરમાં ભારતે ન્યૂ ઝીલેન્ડને શાનદાર હરાવ્યું હતું, પરંતુ 2019નું ચિત્ર સાવ અલગ હતું. એ વખતે ભારતને પરાજય મળ્યો હતો, પરંતુ એ સેમી ફાઈનલ મેચમાં ધોની આઉટ કર્યાનો સૌથી મોટો ઉલ્લેખ કરીને ન્યૂ ઝીલેન્ડના ક્રિકેટર માર્ટિન ગુપ્ટિલ ચર્ચામાં આવ્યો છે.
વર્લ્ડ કપ 2019માં માર્ટિન ગુપ્ટિલે શાનદાર થ્રો કરીને એમએસ ધોનીને રન આઉટ કરીને કરોડો ભારતીય ચાહકોના દિલને તોડી નાખ્યા હતા. ત્યાર બાદ વર્લ્ડકપ સેમિફાઇનલ મેચમાં ભારતને ન્યૂ ઝીલેન્ડ સામે 18 રનથી હાર બાદ ફાઇનલમાં પહોંચવાનું સ્વપ્ન રોળાયુ હતું.
જો ગુપ્ટિલનો થ્રો યોગ્ય ના રહ્યો હોત તો ધોની ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં લઈ ગયો હોત. જો કે, આ ઘટનાને ચાર વર્ષથી વધુ સમય વીતી ગયો છે પરંતુ કદાચ આ ઘટના હજુ પણ કેટલાક ભારતીય ચાહકોના દિલમાં તાજી છે. કદાચ આ જ કારણ છે કે ભારતીય પ્રશંસકો હજુ પણ આ થ્રો માટે માર્ટિન ગુપ્ટિલને નફરતભર્યા મેસેજ મોકલતા રહે છે. આ વાતનો ખુલાસો ન્યૂ ઝીલેન્ડના ક્રિકેટર માર્ટીન ગુપ્ટિલે પોતે કર્યો હતો.
માર્ટિન ગુપ્ટિલે ખુલાસો કર્યો હતો કે તેને હજુ પણ વર્લ્ડ કપ 2019ની સેમિફાઇનલમાં એમએસ ધોનીના રનઆઉટ માટે નફરતભર્યા ઈમેઈલ મળે છે. જ્યારે કહેવામાં આવ્યું કે તે સમગ્ર ભારત માટે હ્રદયદ્રાવક ક્ષણ હતી, ત્યારે ગુપ્ટિલે સ્મિત કર્યું અને કહ્યું હતું કે તેને હજી પણ ચાહકો તરફથી નફરતના મેસેજ મળે છે. તેણે કહ્યું હતું કે બીજા શબ્દોમાં કહીએ તો આખું ભારત મને પસંદ કરતું નથી. મને ત્યાંથી ઘણા નફરતભર્યા મેઇલ મળે છે.
વર્લ્ડ કપ 2019ની આ મેચમાં ન્યૂ ઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા માત્ર 239 રન કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 92 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ધોની અને જાડેજાએ 116 રનની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને જીતની આશા આપી હતી. જોકે, અહીં જાડેજા આઉટ થયો હતો પરંતુ ધોની રમી રહ્યો હતો. જ્યારે 10 બોલમાં 25 રનની જરૂર હતી, ત્યારે ધોની બે રન લેવાના પ્રયાસમાં રનઆઉટ થયો હતો. અહીં ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ મેચ હારી ગઈ હતી.