ગંભીર હેડ-કોચ બનવા લગભગ નક્કી, પણ રેસમાં આ વળી કોણે ઝુકાવ્યું?
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના રાહુલ દ્રવિડ પછીના નવા હેડ-કોચ બનવા માટેની રેસમાં અત્યાર સુધી માત્ર ગૌતમ ગંભીરનું જ નામ હતું અને બીસીસીઆઇની ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા તેનો ઇન્ટરવ્યૂ પણ થઈ ગયો હતો, પરંતુ મંગળવારે મોડી સાંજે સમાચાર મળ્યા હતા કે એક ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ પણ હેડ-કોચ બનવા માટેની રેસમાં ઝંપલાવ્યું છે.
કહેવાય છે કે બોર્ડે ગંભીરની કેટલીક માગણી સ્વીકારી છે. ગંભીરે ટીમ પર સંપૂર્ણ પ્રભુત્વની અને ટેસ્ટ તથા લિમિટેડ ઓવર્સ માટે અલગ ટીમ રાખવાની માગણી કરી હતી.
એવું પણ મનાય છે કે ભૂતપૂર્વ ભારતીય પ્લેયર ડબ્લ્યૂ.વી. રામને પણ રેસમાં ઝૂકાવ્યું છે.
ગંભીર અને રામન ઉપરાંત એક વિદેશીએ પણ ઉમેદવારી નોંધાવી છે. એ વિદેશી વ્યક્તિ ભૂતપૂર્વ ખેલાડી છે કે ભૂતપૂર્વ કોચ એની જાણકારી નહોતી મળી શકી.
રાહુલ દ્રવિડની મુદત વર્તમાન વર્લ્ડ કપ સુધીની છે. તેણે એ પછી કોચના હોદ્દે જળવાઈ રહેવાની ના પાડી હતી.