સ્પોર્ટસ

ડબ્લ્યૂટીસીના નવા રૅન્કિંગમાં આ દેશ ટૉપ પર અને ભારતનો નંબર…

દુબઈઃ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની નવી દ્વિવાર્ષિક સીઝન શરૂ થઈ ગઈ છે અને એમાં અત્યારથી જ રસાકસી જોવા મળી રહી છે. નવી સીઝનમાં હજી ચાર જ દેશની કુલ માત્ર બે ટેસ્ટ રમાઈ છે જેમાંથી એક ટેસ્ટ ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની છે.

ઉલ્લેખનીય છે કે ડબ્લ્યૂટીસીનું નવું રૅન્કિંગ-ટેબલ હજી માંડ અઠવાડિયા જૂનું છે અને એમાં ઇંગ્લૅન્ડ (ENGLAND) નંબર-વન છે, જ્યારે ભારત સાવ છેલ્લે છે. જોકે એમાં થોડા જ દિવસમાં ફેરફાર જોવા મળશે.

આપણ વાંચો: આ દેશ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં સૌથી પહેલાં પહોંચી ગયો…

ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ બીજી જુલાઈથી બર્મિંગહૅમમાં રમાશે. બ્રિટિશ ટીમ પાંચ મૅચની સિરીઝમાં 1-0થી આગળ છે. ડબ્લ્યૂટીસીની આ ચોથી સીઝન છે. પ્રથમ સીઝનમાં ન્યૂ ઝીલૅન્ડ અને બીજી સીઝનમાં ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન બન્યું હતું. તાજેતરમાં ત્રીજી સીઝનનું ચૅમ્પિયનપદ સાઉથ આફ્રિકાએ હાંસલ કર્યું હતું.

https://twitter.com/raja_mishra02/status/1936127936622383264

બેન સ્ટૉક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડે પહેલી ટેસ્ટમાં ભારત (INDIA)ને પાંચ વિકેટે હરાવ્યું એટલે ઇંગ્લૅન્ડના નામે 12 પૉઇન્ટ લખાઈ ગયા હતા. ઇંગ્લૅન્ડની ટકાવારી 100 ટકા છે. ડબ્લ્યૂટીસીની નવી સીઝનમાં બાંગ્લાદેશ અને શ્રીલંકાની પણ એક ટેસ્ટ રમાઈ છે.

આપણ વાંચો: ઑસ્ટ્રેલિયાએ જેનો અંગૂઠો ભાંગ્યો તેણે જ ગૅબામાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયન કાંગારૂઓનો ઘમંડ તોડ્યો

એ ટેસ્ટ ડ્રૉ થતાં બન્ને ટીમને ચાર-ચાર પૉઇન્ટ મળ્યા છે અને એમની સફળતાની ટકાવારી 33.33 ટકા છે. ભારત એક ટેસ્ટ હાર્યું છે એટલે એના નામે કોઈ જ પૉઇન્ટ નથી.

બાંગ્લાદેશ-શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ ચાલે છે જેમાં પહેલા ત્રણ દિવસની રમત થઈ ચૂકી છે. કોલંબોની આ ટેસ્ટમાં બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 247 રન બનાવ્યા બાદ શ્રીલંકાએ ઓપનર પથુમ નિસન્કાના 158 રન, દિનેશ ચંદીમલના 93 રન તથા વિકેટકીપર કુસાલ મેન્ડિસના 84 રનની મદદથી 458 રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશે શુક્રવારે બીજા દાવમાં છ વિકેટે માત્ર 115 રન કર્યા એટલે શ્રીલંકાને (હજી 96 રનથી આગળ હોવા બદલ) આ મૅચ એક દાવથી જીતવાની તક છે.

બ્રિજટાઉનમાં ઑસ્ટ્રેલિયાએ સિરીઝની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં 180 રન કર્યા જેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે 190 રન કરીને 10 રનની લીડ લીધી હતી. ઑસ્ટ્રેલિયાએ ગુરુવારના બીજા દિવસે રમતના અંત સુધીમાં 92 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button