Netherlands v/s Italy T20: મહિલા ઑલરાઉન્ડર 2023માં સાઉથ આફ્રિકા વતી અને 2024માં નેધરલૅન્ડ્સ માટે રમી એટલે શરૂ થયો વિવાદ

શિડૅમ (નેધરલૅન્ડ્સ): 20 વર્ષની મૅડિસન લૅન્ડ્સમૅન નામની ઑલરાઉન્ડરને કારણે નાના ક્રિકેટ-રાષ્ટ્રોની સ્પર્ધામાં વિવાદ જાગ્યો છે. ગયા વર્ષે તે અન્ડર-19 ગર્લ્સ વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા વતી રમી હતી અને મંગળવારે તે ઇટલી સામેની ટી-20 ઇન્ટરનૅશનલમાં નેધરલૅન્ડ્સ વતી રમી.
નવાઈની વાત એ છે કે જે ખેલાડીના મુદ્દે વિવાદ ચગ્યો છે એણે મંગળવારે ઇટલી સામે નેધરલૅન્ડ્સને જિતાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેણે 30 બૉલમાં એક સિક્સર અને બે ફોરની મદદથી 36 રન બનાવ્યા અને પછી બે વિકેટ લેવા ઉપરાંત એક હરીફ બૅટરનો કૅચ પણ પકડ્યો હતો. નેધરલૅન્ડ્સે ચાર વિકેટે 178 રન બનાવ્યા બાદ ઇટલીની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે માત્ર 84 રન બનાવી શક્તા નેધરલૅન્ડ્સનો 94 રનથી વિજય થયો હતો.
જે ખેલાડી ગયા વર્ષે સાઉથ આફ્રિકા વતી અન્ડર-19 વર્લ્ડ કપમાં રમી હોય તેને પોતાની ટીમમાં રમવા બોલાવીને મૅચમાં ઉતારવાની ભૂલ કરી હોવાની જવાબદારી રૉયલ ડચ ક્રિકેટ અસોસિયેશને સ્વીકારી છે.
આ પણ વાંચો : આખી ટીમ 12 રનમાં ઑલઆઉટ, ટી-20 ઇન્ટરનૅશનલમાં નવું સેકેંડ લોએસ્ટ ટોટલ
મૅડિસનનો જન્મ નેધરલૅન્ડ્સમાં થયો હતો. ગયા વર્ષે તે સાઉથ આફ્રિકામાં યોજાયેલા ટીનેજ છોકરીઓ માટેના અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા વતી રમી હતી. એમાં તેણે સ્કૉટલૅન્ડ સામેની મૅચમાં સતત ત્રણ બૉલમાં ત્રણ વિકેટ લેતાં વિમેન્સ અન્ડર-19 વર્લ્ડ કપમાં પહેલી વાર હૅટ-ટ્રિકનો કિસ્સો નોંધાયો હતો. તે લેગ-સ્પિનિંગ ઑલરાઉન્ડર છે અને તેની ક્રિકેટ ટૅલન્ટ સૌથી પહેલાં તેની એક ફ્રેન્ડના પિતાએ બંગલાની પાછળના મેદાનમાં ક્રિકેટ રમતી વખતે શોધી કાઢી હતી.
નેધરલૅન્ડ્સની ટીમ ઇટલી પછી પાપુઆ ન્યૂ ગિની, સ્કૉટલૅન્ડ અને હૉન્ગ કૉન્ગ સામે રમશે.