રાજકીય ક્રાંતિનો ભોગ બનેલું નેપાળ કેમ એશિયા કપમાં નથી? નેપાળી ક્રિકેટરોને કેટલો પગાર મળે છે? | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

રાજકીય ક્રાંતિનો ભોગ બનેલું નેપાળ કેમ એશિયા કપમાં નથી? નેપાળી ક્રિકેટરોને કેટલો પગાર મળે છે?

મુંબઈઃ એક તરફ ભારતના ટચૂકડા પાડોશી દેશ નેપાળ (Nepal)માં સરકારવિરોધી વ્યાપક હિંસક દેખાવો તેમ જ ટોચના નેતાઓ નિવાસસ્થાનો તથા રાજકીય પક્ષોની ઑફિસો, સંસદ પર હુમલો થવાના બનાવોને પગલે નેપાળના લશ્કરે આખા દેશ પર કબજો મેળવી લીધો છે

ત્યાં બીજી બાજુ એશિયન ક્રિકેટમાં ચર્ચા થઈ રહી છે કે નેપાળની ક્રિકેટ ટીમ કેમ યુએઇમાં શરૂ થઈ ગયેલા ટી-20ના એશિયા કપ (Asia Cup)માં કેમ નથી? એ ઉપરાંત, નેપાળના રાષ્ટ્રીય ક્રિકેટરોને તેમના ક્રિકેટ બોર્ડ તરફથી મહિને કેટલો પગાર (Salary) આપવામાં આવે છે અને તેમને મૅચ-ફી તરીકે કેટલા રૂપિયા મળે છે એની પણ ચર્ચા થઈ રહી છે.

એશિયા કપમાં આઠ દેશ (ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, હૉંગ કૉંગ, ઓમાન અને યુએઇ) ભાગ લઈ રહ્યા છે. જોકે એમાં નેપાળનો સમાવેશ નથી. 2023માં વન-ડે ફૉર્મેટમાં એશિયા કપ રમાયો ત્યારે કુલ છ ટીમ રમી હોવા છતાં એમાં નેપાળની ટીમ સામેલ હતી. જોકે આ વખતે ટી-20ના એશિયા કપમાં આઠ ટીમ હોવા છતાં તેઓ ક્વૉલિફાય નથી થઈ શક્યા.

આપણ વાંચો: પ્રથમ જૂનિયર મહિલા એશિયા કપમાં ભારતીય અંડર-19 ટીમની કેપ્ટન બની નિક્કી પ્રસાદ

કેવી રીતે નેપાળનું પત્તું કપાયું?

ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન એશિયાની ટોચની પાંચ ટીમ છે અને એશિયા કપમાં એમને સીધો પ્રવેશ મળ્યો છે. બાકીની ત્રણ ટીમ (યુએઇ, ઓમાન, હૉંગ કૉંગ)ને 2024માં આયોજિત એસીસી પ્રીમિયર કપના પરિણામોને આધારે આ વખતના એશિયા કપમાં આવવા મળ્યું છે.

એ ક્વૉલિફાઇંગ સ્પર્ધામાં નેપાળની ટીમ ગ્રૂપ ` એ’માં ચારેય લીગ મૅચ જીતીને સેમિ ફાઇનલમાં પહોંચી હતી. જોકે સેમિમાં નેપાળનો યુએઇ સામેના રોમાંચક મુકાબલામાં છ વિકેટે પરાજય થયો હતો. બીજી સેમિમાં ઓમાને હૉંગ કૉંગને હરાવ્યું હતું. યુએઈ ચૅમ્પિયન અને ઓમાન રનર-અપ હોવાથી એ બન્ને ટીમ એશિયા કપ માટે ક્વૉલિફાય થઈ ગઈ હતી.

ત્રીજા સ્થાન માટેની પ્લે-ઑફ મૅચમાં હૉંગ કૉંગે નેપાળ સામેના થ્રિલરમાં 140 રનનો લક્ષ્યાંક ચાર વિકેટ તથા ત્રણ બૉલ બાકી રાખીને સફળતાથી ચેઝ કરીને એશિયા કપમાં જગ્યા મેળવી લીધી હતી. એ રીતે, નેપાળની લોકપ્રિય ટીમ ક્વૉલિફાય નહોતી થઈ શકી.

આપણ વાંચો: T20 World Cup: શ્રીલંકા-નેપાળની મૅચ ધોવાઈ ગઈ એમાં સાઉથ આફ્રિકાને સુપર એઇટમાં જવા મળી ગયું

નેપાળ રૅન્કિંગમાં આગળ છે છતાં…

આઇસીસી ટી-20 રૅન્કિંગ મુજબ નેપાળ 18મા ક્રમે, ઓમાન 20મા ક્રમે અને હૉંગ કૉંગ છેક 24મા ક્રમે હોવા છતાં નેપાળને એશિયા કપમાં પ્રવેશ નથી મળી શક્યો.

નેપાળના ક્રિકેટરોનું મહિને વેતન કેટલું

નેપાળમાં ક્રિકેટની રમત ખૂબ લોકપ્રિય છે. નેપાળના કેટલાક ક્રિકેટરોનું દુનિયાભરમાં સારું નામ છે અને અમુક ખેલાડીઓ આઇપીએલમાં રમી ચૂક્યા છે. નેપાળના ક્રિકેટ બોર્ડે આ વર્ષે દેશના 33 ખેલાડીઓ સાથે સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ કર્યા છે. તેમને ચાર ગ્રૂપમાં વહેંચ્યા છે.

આપણ વાંચો: નેપાળ (Nepal)નો ક્રિકેટર બળાત્કાર (Rape)ના આક્ષેપોમાંથી મુક્ત, ચાહકોનું અદાલતની બહાર સેલિબ્રેશન

ગે્રડ એ’ના પ્રત્યેક પ્લેયરને મહિને એક લાખ નેપાળી રૂપિયા (ભારતીય ચલણમાં અંદાજે 63 હજાર રૂપિયા)નો પગાર મળે છે. ગે્રડ બી’ના દરેક ખેલાડીને 75,000 નેપાળી રૂપિયા (આશરે 47 ભારતીય રૂપિયા), ગે્રડ સી’ના પ્રત્યેક પ્લેયરને 55,000 નેપાળી રૂપિયા (આશરે 35 ભારતીય રૂપિયા) અને ગે્રડ ડી’ના દરેક ખેલાડીને 35,000 નેપાળી રૂપિયા (આશરે 21,900 ભારતીય રૂપિયા) મળે છે.

નેપાળના ક્રિકેટરને 5,000થી 10,000 રૂપિયાની મૅચ-ફી પણ અપાય છે. જોકે ખાસ કરીને ભારત તેમ જ બીજા ઘણા દેશોના ક્રિકેટરોની તુલનામાં નેપાળના ખેલાડીઓનું વેતન ઘણું ઓછું છે.

નેપાળના જાણીતા ખેલાડીઓ

નેપાળના રાષ્ટ્રીય ક્રિકેટરોમાંથી કૅપ્ટન રોહિત પૌડેલ, દીપેન્દ્ર સિંહ એઇરી, સંદીપ લમીછાને અને આશિફ શેખ સહિત પાંચ ખેલાડી ગે્રડ ` એ’માં સામેલ છે અને તેમને મહિને એક લાખ નેપાળી રૂપિયા (ભારતીય ચલણમાં અંદાજે 63 હજાર રૂપિયા)નો પગાર મળે છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button