સ્પોર્ટસ

નીરજ ચોપડાનો ખુલાસો, `પાકિસ્તાનના નદીમ સાથે ગાઢ દોસ્તી ક્યારેય નહોતી અને હવે પછી તો…’

દોહાઃ 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાલાફેંક (javelin)ની હરીફાઈમાં સિલ્વર મેડલ જીતનાર ભારતના નીરજ ચોપડા (NEERAJ CHOPRA) અને ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાનના અર્શદ નદીમ (ARSHAD NADEEM) વચ્ચે સારી દોસ્તી હોવાની વાતો એ સર્વોચ્ચ રમતોત્સવ વખતે ચગી હતી અને ખાસ કરીને એ અગાઉ 2023ની વિશ્વ સ્પર્ધામાં પાડોશી દેશના બન્ને ઍથ્લીટ ભારતના તિરંગા સાથે ઊભા હતા ત્યારે તેમની મિત્રતા (friendship)ની પણ ખૂબ વાતો થતી હતી.

જોકે નીરજ ચોપડાએ ગુરુવારે ખુલાસામાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના અર્શદ નદીમ સાથે મારી ક્યારેય ગાઢ દોસ્તી નહોતી, અત્યારે છે પણ નહીં અને હવે પછી ક્યારેય ગાઢ બનશે પણ નહીં.

આપણ વાંચો: લવ મૅરેજ કે અરૅન્જ્ડ મૅરેજ?: નીરજ ચોપડા સાથેના પુત્રીના લગ્ન વિશે હિમાનીના પિતા શું બોલ્યા?

તાજેતરમાં ભારત-પાકિસ્તાન યુદ્ધ શરૂ થતાં નીરજ ચોપડાના નામની નીરજ ચોપડા ક્લાસિક’ નામની ભાલાફેંકની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા ચર્ચાસ્પદ થઈ હતી, કારણકે નીરજે એમાં ભાગ લેવા માટે અર્શદ નદીમને આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને પગલે સોશિયલ મીડિયામાં નીરજની અને તેના પરિવારની ખૂબ ટીકા થઈ છે.

જોકે અહીં થોડા દિવસમાં યોજાનારી ડાયમંડ લીગ નિમિત્તે અહીં દોહા આવેલા વર્લ્ડ ચૅમ્પિયન નીરજે પત્રકાર પરિષદમાં નદીમ સાથેની દોસ્તી વિશે પૂછવામાં આવતાં કહ્યું હતું કે સૌથી પહેલાં હું સ્પષ્ટતા કરી દેવા માગું છું કે તેની (નદીમ સાથે) મારી ગાઢ દોસ્તી ક્યારેય હતી નહીં અને છે પણ નહીં.

આપણ વાંચો: મનુ ભાકર અને નીરજ ચોપડા પણ શું કામ પાછળ રહી જાય!

હું એ પણ કહી દેવા માગું છું કે (હવે ભારત-પાકિસ્તાન જંગ થઈ જવાને પગલે) તેની સાથે પહેલા જેવી દોસ્તી પણ નહીં રહે. હા, જો કોઈ મારી સાથે માનપૂર્વક વાતચીત કરશે તો હું પણ તેનું માન જાળવીશ.

' નીરજે એવું પણ કહ્યું હતું કે ઍથ્લીટ તરીકે અમારી વચ્ચે વાતચીત થાય એ સ્વાભાવિક છે. વિશ્વભરમાં ઍથ્લીટોના સમુદાયમાં મારા ઘણા મિત્રો છે. માત્ર ભાલાફેંકની સ્પર્ધા સાથે જ નહીં, બીજી રમતોની સ્પર્ધા સાથે સંકળાયેલા ઍથ્લીટો સાથે પણ મારી મિત્રતા છે. ભાલાફેંકની રમત ખૂબ સીમિત છે અને એનો દરેક ઍથ્લીટ પોતાના દેશ માટે રમતો હોય છે અને પોતાનો બેસ્ટ પર્ફોર્મન્સ આપવા કોઈ કસર બાકી નથી રાખતો.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button