ડાયમંડ લીગમાં નીરજ ચોપડાને કેમ સિલ્વર મેડલ ન અપાયો?
બ્રસેલ્સ: ભારતનો સુપરસ્ટાર ઍથ્લીટ નીરજ ચોપડા શનિવારે અહીં ડાયમંડ લીગ સ્પર્ધામાં ભાલાફેંકની ફાઇનલમાં બીજા નંબરે રહ્યો હોવાથી રનર-અપ ઘોષિત થયો હતો, પરંતુ તેને સિલ્વર મેડલ નહોતો આપવામાં આવ્યો. એ જ રીતે, આ સ્પર્ધામાં ગ્રેનાડાનો ઍન્ડરસન પીટર્સ પહેલા સ્થાને આવતાં ચૅમ્પિયન ઘોષિત થયો હતો, પરંતુ તેને ગોલ્ડ મેડલ નહોતો આપવામાં આવ્યો.
નીરજ દોઢ મહિના પહેલાં પૅરિસ ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યા પછી બ્રસેલ્સમાં ડાયમંડ લીગમાં ડાબા હાથના ફ્રૅક્ચર છતાં રનર-અપ બનવામાં સફળ રહ્યો હતો. ખરેખર તો તે ફક્ત એક સેન્ટિમીટર માટે સર્વોત્તમ ક્રમથી દૂર રહી ગયો હતો. નીરજે ભાલો 87.86 મીટર દૂર ફેંક્યો હતો.
ઍન્ડરસને ભાલો 87.87 મીટર દૂર ફેંક્યો હતો અને આ સ્પર્ધામાં વિજેતા ઘોષિત થયો હતો. નીરજનો પર્ફોર્મન્સ જો જરાક સારો રહ્યો હોત અને ભાલો ઍન્ડરસનના 87.87 મીટરના માર્કથી સહેજ દૂર ફેંક્યો હોત તો આ લીગનો તાજ નીરજના કબજામાં આવી ગયો હોત. જર્મનીનો જુલિયન વેબર (85.97 મીટર) ત્રીજા સ્થાને રહ્યો હતો.
આપણ વાંચો: મનુ ભાકર અને નીરજ ચોપડા પણ શું કામ પાછળ રહી જાય!
વાત એવી છે કે નીરજ બીજા નંબરે આવતાં શનિવાર રાતથી જ તેને સોશિયલ મીડિયામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન મળવા લાગ્યા હતા. જોકે તેને આયોજકો તરફથી કોઈ જ મેડલ નહોતો અપાયો. ન તો ઍન્ડરસનને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવ્યો હતો.
ઑલિમ્પિક્સ સહિત અનેક સ્પર્ધાઓમાં ટોચના ત્રણ વિજેતાઓને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર, બ્રૉન્ઝ મેડલ આપવામાં આવે છે, પરંતુ ડાયમંડ લીગમાં મેડલ આપવાની પ્રથા નથી. આ લીગમાં આયોજકો મેડલ આપવાને બદલે ટોચના આઠ ઍથ્લીટને તેમના પર્ફોેર્મન્સને આધારે પૉઇન્ટ્સ અને રોકડ ઇનામ આપે છે.
નીરજને રન-અપ બનવા બદલ 12,000 ડૉલર (અંદાજે 10 લાખ રૂપિયા)નું બીજું રોકડ ઈનામ મળ્યું છે. ઍન્ડરસનને પ્રથમ નંબર પર રહીને ચૅમ્પિયન બનવા બદલ 30,000 ડૉલર (અંદાજે પચીસ લાખ રૂપિયા) મળ્યા છે.