Neeraj Chopra: પાકિસ્તાનના આ ખેલાડી પાસે જેવલીન ખરીદવા પૈસા નથી! નીરજ ચોપરાએ કહી આવી વાત

પાકિસ્તાનના ટોચના જેવલિન થ્રોઅર(Javelin throwers) અરશદ નદીમ(Arshad Nadeem)ની નબળી આર્થીક સ્થિતિ અંગે ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપરા(Neeraj Chopra)એ આશ્ચર્ય વ્યકત કર્યું છે. નીરજે હાલમાં જ એક મીડિયા સંસ્થા સાથે વાત કરતા કહ્યું કે, ‘મારા માટે આ માનવું મુશ્કેલ છે કે તે નવા જેવેલીન માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેની સાખને જોતા, આ કોઈ મોટો મુદ્દો ન હોવો જોઈએ.’
ભારતના નીરજ ચોપરા અને પાકિસ્તાનના અરશદ નદીમ જેવલિન થ્રો રમતના સુપર સ્ટાર એથ્લેટ છે. રમતના મેદાન બંને એકબીજાના કટ્ટર પ્રતિસ્પર્ધી છે, જો કે, મેદાનની બહાર બંનેની મિત્રતા જાણીતી છે. વિવિધ સ્પર્ધાઓ દરમિયાન નીરજ અને અરશદ એક બીજા સાથે વાતો કરતા જોવા મળે છે. ટોક્યો ઓલિમ્પિક હોય કે વર્લ્ડ ચેમ્પિયનશિપ, નીરજ અને અરશદ હાથ મિલાવતા અને ગળે મળતા જોવા મળ્યા છે. તેઓ મેદાન પર ઉગ્ર હરીફો હોઈ શકે છે, પરંતુ તેઓ એકબીજા માટે આદર ધરાવે છે.
અરશદ નદીમ અને નીરજ ચોપરા બંને આગામી સિઝનની તૈયારી કરી રહ્યા છે. નીરજ ચોપરા હાલમાં તુર્કીયેમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે. બીજી તરફ 27 વર્ષીય અરશદે તાજેતરમાં દુઃખ સાથે કહ્યું હતું કે તે ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તરનું જેવલિન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે અને છેલ્લા સાત-આઠ વર્ષથી જૂના જેવલિનથી પ્રેક્ટીસ કરી રહ્યો છે.
અરશદે કહ્યું હતું કે ‘મારું જેવલિન તૂટી ગયું છે અને મેં રાષ્ટ્રીય મહાસંઘ અને મારા કોચને પેરિસ ઓલિમ્પિક પહેલાં નવા જેવલિનનું કંઈક કરવાનું કહ્યું છે.’
બુડાપેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અરશદ નીરજ બાદ બીજા સ્થાને રહ્યો હતો. અરશદની સ્થિતિ સંભાળીને સાંભળીને નીરજે આશ્ચર્ય અને દુઃખ વ્યક્ત કર્યું હતું, તેણે કહ્યું કે એ માનવું મુશ્કેલ છે કે તે નવું જેવલિન મેળવવા માટે તે સંઘર્ષ કરી રહ્યો છે. તેની પ્રતિભા જોતા, આ કોઈ મોટો મુદ્દો ન હોવો જોઈએ.
નદીમેં કહ્યું હતું કે, ‘જ્યારે મેં 2015માં શરૂઆત કરી ત્યારે મને આ જેવલિન આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે મળ્યું હતું. ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવાનું લક્ષ્ય રાખતા આંતરરાષ્ટ્રીય એથ્લીટને યોગ્ય સાધનો અને તાલીમ સુવિધાઓ આપવાની જરૂર છે.’
બીજી તરફ ભારતના નીરજ ચોપરાની સમગ્ર તાલીમ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસોને રમતગમત મંત્રાલયની ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. નીરજે જણાવ્યું કે મને લાગે છે કે અરશદ પાકિસ્તાનનું ગૌરવ છે અને તેને સમર્થન આપવું જોઈએ, એવું ન હોઈ શકે કે તેની (અરશદ) પાસે જેવલિન ખરીદવા રસ્તો ના ન હોય. તે ચેમ્પિયન છે અને કદાચ અમુક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરી રહ્યો છે. મને લાગે છે કે જો તેણે થોડા પૈસા પણ કમાયા હોય તો તેણે તેનો ઉપયોગ કરવો જોઈએ. હા, પરંતુ તેમની સરકારે પણ અરશદની જરૂરિયાતો પર ધ્યાન આપવું જોઈએ અને મારી સરકારની જેમ સપોર્ટ આપવો જોઈએ.
અરશદ નદીમે બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં 90.18 મીટરના થ્રો સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેમજ જેવલિન થ્રોનો નવો રેકોર્ડ પણ સર્જાયો હતો. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા માટે પાકિસ્તાનની 60 વર્ષની રાહનો અંત આવ્યો.