નીરજ ચોપડા (Neeraj Chopra)એ ઈજાના અહેવાલો વાઇરલ થતાં કરી દીધો મોટો ખુલાસો

નવી દિલ્હી: ભાલાફેંકમાં ભારતનો ઑલિમ્પિક અને વર્લ્ડ ચૅમ્પિયન નીરજ ચોપડા આગામી જુલાઈ-ઑગસ્ટમાં પૅરિસમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સ સુધી સતત ન્યૂઝમાં રહેશે, કારણકે બે મહિના પછી તે ભારતને ફરી ગોલ્ડ મેડલ અપાવશે કે કેમ એ વિશે તેના કરોડો ચાહકોને ઇન્તેજાર રહેવાનો છે.
નીરજની ફિટનેસની ખરી કસોટી આગામી બે મહિનામાં છે અને એ મુદ્દે તે બે દિવસથી ચર્ચામાં છે જ. ઑસ્ટ્રાવા ગોલ્ડ (Ostrava Gold) સ્પાઇક-2024 નામની ખેલકૂદની સ્પર્ધાના આયોજકોએ રવિવારે જાહેર કર્યું હતું કે સ્નાયુઓના દુખાવાને કારણે નીરજ આ સ્પર્ધામાં ભાગ નથી લેવાનો. બસ પત્યું. આવી જાહેરાત થઈ એટલે નીરજની જ વાતો થવા લાગી છે. જોકે ખુદ નીરજે સોશિયલ મીડિયામાં ખુલાસો કર્યો છે કે તેને કોઈ જ પ્રકારની ઈજા નથી અને તેણે માત્ર સાવચેતી માટે આ સ્પર્ધામાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: Neeraj Chopra: પાકિસ્તાનના આ ખેલાડી પાસે જેવલીન ખરીદવા પૈસા નથી! નીરજ ચોપરાએ કહી આવી વાત
ઑસ્ટ્રાવાની ઇવેન્ટના આયોજકોએ જાહેરાતમાં એવું પણ કહ્યું છે કે ‘નીરજ આ સ્પર્ધામાં ભાલો ફેંકવા ટ્રૅક પર નહીં ઊતરે, પણ માત્ર મહેમાન તરીકે હાજરી આપશે.’
નીરજ હજી ત્રણ અઠવાડિયા પહેલાં દોહામાં ડાયમંડ લીગમાં ભાલો 88.36 મીટર દૂર ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો. બે અઠવાડિયે પહેલાં તે ભુવનેશ્ર્વરની ઇવેન્ટમાં ભાલો 82.27 મીટર દૂર ફેંકીને ગોલ્ડ જીત્યો હતો.
નીરજે પોતાની ફિટનેસ વિશે આ મુજબ સ્પષ્ટતા કરી છે: ‘થોડા દિવસ પહેલાં મેં ભાલો ફેંકવાને લગતા એક પ્રૅક્ટિસ-સેશન બાદ નક્કી કર્યું હતું કે ઑસ્ટ્રાવાની ઇવેન્ટમાં ભાગ નથી જ લેવો. થાપામાં મને થોડો દુખાવો છે. ભૂતકાળમાં પણ મને એ જ જગ્યાએ દુખાવો થયો હતો એટલે આ વખતે મેં મોટી ઇવેન્ટ (પૅરિસ ઑલિમ્પિક્સ) પહેલા આ દુખાવો ગંભીર ઈજામાં ન ફેરવાય એટલે હું સાવચેત થઈ ગયો છું. મને ઈજા નથી, પણ હું ઑલિમ્પિક્સ પહેલાં કોઈ રિસ્ક નથી લેવા માગતો. હું એકદમ સ્વસ્થ થઈ જઈશ ત્યારે સ્પર્ધાઓમાં ભાગ લેવાનું ફરી શરૂ કરી દઈશ.’