નીરજ ચોપડા અને હિમાનીનું લગ્નના એક વર્ષ પછી રિસેપ્શન અને એમાં વડા પ્રધાન મોદી…

નવી દિલ્હીઃ ભાલાફેંકના ઑલિમ્પિક મેડલ વિજેતા અને ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન નીરજ ચોપડા (Neeraj Chopra) અને ટેનિસ ખેલાડી હિમાની મોર (Himani Mor)ના લગ્નના રિસેપ્શનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Modi) પણ ઉપસ્થિત હતા, જેનો વીડિયો અને ફોટો વાઇરલ થયા છે.
નીરજ અને હિમાનીએ આ વર્ષના જાન્યુઆરીમાં લગ્ન કર્યા હતા. ત્યારે તેમણે લગ્ન વિશે કોઈને અણસાર પણ નહોતો આવવા દીધો. પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં તેઓ લગ્નના બંધનમાં જોડાયાં હતાં, જેની તસવીરો પછીથી સોશ્યલ મીડિયામાં શૅર કરવાની સાથે નીરજે હિમાની સાથે પોતે લગ્નગ્રંથિથી જોડાયો છે એવું જાહેર કર્યું હતું.
હવે લગ્નના લગભગ એક વર્ષ બાદ નીરજ અને હિમાનીએ લગ્નનું રિસેપ્શન રાખ્યું જેમાં અનેક મહાનુભાવો અને અન્ય મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. યુગલે 26મી ડિસેમ્બરે (શુક્રવારે) કર્નાલમાં અને 27મી ડિસેમ્બરે (શનિવારે) દિલ્હીની ધ લીલા પૅલેસ હૉટેલમાં રિસેપ્શન રાખ્યું હતું. એક જાણીતી ચૅનલના અહેવાલ અનુસાર દિલ્હીના રિસેપ્શનમાં વડા પ્રધાન મોદીએ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગયા અડવાડિયે નીરજ અને હિમાની વડા પ્રધાનને પાટનગરમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને ત્યારે તેમને રિસેપ્શનનું આમંત્રણ આપ્યું હતું.
નીરજે 2020ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ભાલાફેંક (જ્વેલિન થ્રો)નો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં તે સિલ્વર મેડલ જીત્યો હતો. એ ઉપરાંત, તે વર્લ્ડ ચૅમ્પિયનશિપનો તેમ જ ડાયમંડ લીગનો ગોલ્ડ મેડલ પણ જીતી ચૂક્યો છે. નીરજની પત્ની હિમાની મોર હવે ટેનિસ નથી રમતી, પણ તેણે સ્પોર્ટ્સ મૅનેજમેન્ટની ડિગ્રી મેળવી છે. તે દિલ્હીના મિરાંડા હાઉસમાં રાજકીય વિજ્ઞાન અને શારીરિક શિક્ષણનું પણ ભણી છે.
આ પણ વાંચો…નીરજ ચોપડા મળ્યો પીએમ મોદીનેઃ પત્ની હિમાની મોર પણ હતી હાજર



