કુડો ટૂર્નામેન્ટમાં નવસારીની જિઆના વિની રાવલને બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ

નવસારીઃ કુડો ઇન્ટરનૅશનલ ફેડરેશન ઇન્ડિયા, દ્વારા સુરતમાં તાજેતરમાં છ દિવસ સુધી આયોજિત રાષ્ટ્રીય સ્તરની કુડો ટૂર્નામેન્ટમાં નવસારીની પોદ્દાર ઇન્ટરનૅશનલ સ્કૂલની વિદ્યાર્થિની જિઆના વિની રાવલને બે ગોલ્ડ મેડલ અને તે પછી યોજાયેલી ઇન્ટરનૅશનલ ટૂર્નામેન્ટમાં એક બ્રોન્ઝ મેડલ એમ કુલ મળીને ત્રણ ચંદ્રક મળ્યા હતા.
દેશના સ્પોર્ટ્સ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત કુડો ઇન્ટરનૅશનલ ફેડરેશન ઇન્ડિયા દ્વારા આયોજિત નેશનલ લેવલની 16મી ટૂર્નામેન્ટમાં 24 કિલો સુધીની (નવ વર્ષ સુધીની) ગર્લ્સ કૅટેગરીમાં જિઆના વિની રાવલને ગોલ્ડ મેડલ મળ્યો તે પછી છઠ્ઠા કુડો ફેડરેશન કપમાં પણ તેણે સુવર્ણ ચંદ્રક જીતી લીધો હતો.
ત્યાર બાદ તેણે 17મી અક્ષય કુમાર ઇન્ટરનૅશનલ કુડો ટૂર્નામેન્ટમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. એ સાથે, જિઆના વિની રાવલે કુલ મળીને ત્રણ મેડલ હાંસલ કર્યા હતા.
કુડો નામની રમત જાપાનીઝ માર્શલ આર્ટ્સનો એક મહત્ત્વનો હિસ્સો છે. આ રમત મિક્સ્ડ માર્શલ આર્ટ તરીકે પણ ઓળખાય છે અને રશિયા તથા ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં એની સ્પર્ધાઓ યોજાય છે.



