સ્પોર્ટસ

ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ લેનાર દુનિયાનો આઠમો બોલર બન્યો નાથન લિયોન

પર્થ: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિન બોલર નાથન લિયોને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૫૦૦ વિકેટ પૂરી કરી હતી. લિયોન વિશ્ર્વ ક્રિકેટમાં ૫૦૦ ટેસ્ટ વિકેટ લેનારો વિશ્ર્વનો ૮મો અને ઓસ્ટ્રેલિયાનો ત્રીજો બોલર બન્યો હતો. તેણે આ રેકોર્ડ પાકિસ્તાન સામે ચાલી રહેલી ટેસ્ટ સિરિઝની પ્રથમ મેચમાં બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે પર્થના મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ફહીમ અશરફની વિકેટ નાથન લિયોનની ટેસ્ટ કારકિર્દીની ૫૦૦મી વિકેટ હતી.

આ વર્ષે ઈંગ્લેન્ડમાં આયોજિત એશિઝ શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થતા પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનરે ૪૯૬ ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. નાથન લિયોને પણ પાકિસ્તાન સામેની આ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ૩ વિકેટ ઝડપી હતી ત્યારબાદ ટેસ્ટ ક્રિકેટમાં તેની કુલ વિકેટોની સંખ્યા વધીને ૪૯૯ થઈ ગઈ હતી. આ મેચની બીજી ઇનિંગમાં પ્રથમ વિકેટ લીધા પછી નાથન લિયોન પણ ૫૦૦ ટેસ્ટ વિકેટ લેનારા વિશ્ર્વના કેટલાક મહાન બોલરોની યાદીમાં સામેલ થઈ ગયો.

આ સિવાય જો વિશ્ર્વ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ ઝડપનારા તમામ બોલરોની વાત કરીએ તો આ યાદીમાં શ્રીલંકાના પૂર્વ બોલર મુથૈયા મુરલીધરન (કુલ ૮૦૦ વિકેટ)નું નામ સામેલ છે. તેના પછી શેન વોર્ન (કુલ ૭૦૮ વિકેટ), ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન (કુલ ૬૯૦ વિકેટ), પૂર્વ ભારતીય બોલર અનિલ કુંબલે (કુલ ૬૧૯ વિકેટ), ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર સ્ટુઅર્ટ બ્રોડ (કુલ ૬૦૪ વિકેટ), ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બોલર ગ્લેન મેકગ્રા (કુલ ૫૬૩ વિકેટ)નો નંબર આવે છે. ભૂતપૂર્વ વેસ્ટ ઈન્ડિઝ બોલર કર્ટની એન્ડ્રુ વોલ્શ (કુલ ૫૧૯ વિકેટ),અને નાથન લિયોન (કુલ ૫૦૧ વિકેટ) સામેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button