IPL 2024સ્પોર્ટસ

નારાયણ 2024ની આઇપીએલનો પાંચમો સેન્ચુરિયન, ચહલ હવે 200મી વિકેટથી એક જ ડગલું દૂર

કોલકાતા: આઇપીએલ-2024માં વધુ એક હાઈ-સ્કોરિંગ મૅચ રમાઈ. ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સે પૉઇન્ટ્સ-ટેબલની નંબર-વન ટીમ રાજસ્થાન રૉયલ્સ સામે 20 ઓવરમાં છ વિકેટે 223 રન બનાવ્યા હતા અને રાજસ્થાનને 224 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. સુનીલ નારાયણ (109 રન, 56 બૉલ, છ સિક્સર, તેર ફોર) નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું જેમાં રાજસ્થાનના ખાસ કરીને બે મુખ્ય સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (4-0-54-1) અને આર. અશ્ર્વિન (4-0-49-0)ની બોલિંગ ઍનેલિસિસ બગડી ગઈ હતી.

નારાયણ આ વખતની આઇપીએલનો પાંચમો સેન્ચુરિયન બન્યો હતો. તેની પહેલાં કોહલી (72 બૉલમાં અણનમ 113), બટલર (58 બૉલમાં અણનમ 100), રોહિત (63 બૉલમાં 105 અણનમ) અને ટ્રેવિસ હેડ (41 બૉલમાં 102)ના નામે સદી લખાઈ હતી.

નારાયણ અને અંગક્રિશ રઘુવંશી (30 રન, 18 બૉલ, પાંચ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી થઈ હતી. રઘુવંશી 11મી ઓવરમાં જ પૅવિલિયન ભેગો થયો હતો, પણ નારાયણને 18મી ઓવરમાં ટ્રેન્ટ બૉલ્ટે ક્લીન બોલ્ડ કર્યો હતો.
કૅપ્ટન શ્રેયસ ઐયર (11 રન) ફરી એક ફ્લૉપ ઇનિંગ્સ રમ્યો હતો. આન્દ્રે રસેલ (13 રન) પાસે કેકેઆરને આતશબાજીની અપેક્ષા હતી, પણ તે 17મી ઓવરમાં 184 રનના કુલ સ્કોર પર આવેશ ખાનના બૉલમાં ડીપમાં ધ્રુવ જુરેલના હાથમાં કૅચઆઉટ થયો હતો. રિન્કુ સિંહ (20 અણનમ, નવ બૉલ, બે સિક્સર, એક ફોર)ને માત્ર નવ બૉલ રમવા મળ્યા હતા એટલે પોતાની ક્ષમતા પૂરી નહોતો બતાવી શક્યો.

એ પહેલાં, 14 એપ્રિલની લખનઊ સામેની મૅચનો હીરો ફિલ સૉલ્ટ બૅટિંગ મળ્યા બાદ ફક્ત 10 રન બનાવીને આઉટ થયો હતો.

આવેશ ખાનને અને કુલદીપ સેનને બે-બે વિકેટ તથા ચહલ અને બૉલ્ટને એક વિકેટ મળી હતી. ચહલની આઇપીએલમાં કુલ 199 વિકેટ થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button