પીએમ મોદીએ ટૅટૂ વિશે પૂછ્યું ત્યારે દીપ્તિ શર્માએ કહ્યું કે…

નવી દિલ્હી: રવિવાર, બીજી નવેમ્બરનો દિવસ ભારતીય મહિલા ક્રિકેટ માટે ઐતિહાસિક હતો ત્યાર બાદ ભારતની એ જ વર્લ્ડ ચેમ્પિયન ટીમની ખેલાડીઓ માટે બુધવારનો દિવસ પણ અવિસ્મરણીય હતો જ્યારે તેઓ પાટનગર દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળવા ગઈ હતી અને એ દરમ્યાન તેમની વચ્ચે થયેલી હળવી ચર્ચામાં પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ અને ભારતની સર્વોત્તમ મહિલા ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા (Deepti Sharma) સાથેની વાતચીત હટકે હતી.
2017માં મિતાલી રાજના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ સામેની દિલધડક ફાઈનલ જરાક માટે હારી ગઈ હતી. ત્યારની રનર-અપ ભારતીય ટીમમાં પણ હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્મા હતી. ભારતીય ટીમ ત્યારે ખૂબ નિરાશ હાલતમાં હતી, પરંતુ પીએમ મોદી (PM MODI)એ ત્યારે તેમને જુસ્સો અને આત્મવિશ્વાસ અપાવ્યા હતા.
આ વખતે વિશ્વ કપની ટ્રોફી ઘરઆંગણે આવી અને ભારતીય ટીમે જીતીને દેશ માટે નવો ઇતિહાસ સર્જયો.
દીપ્તિ શર્માએ બુધવારે વડા પ્રધાન મોદી સાથેની વાતચીતમાં તેમને કહ્યું કે ‘ હું તમને ફરી મળવા માટે 2017ના વર્ષથી રાહ જોઈ રહી હતી. ત્યારે તમે અમને હિંમત અપાવતાં કહ્યું હતું કે સપનું પૂરું કરવા માટે તમે બધા તનતોડ મહેનત કરો. તમે મને નિષ્ફ્ળતાના આઘાતમાંથી બહાર આવવાની ખૂબ સરસ સલાહ આપી હતી. તમારું એ મૉટિવેશન અમને બધાને ખૂબ કામ લાગ્યું અને અમે ટ્રોફી જીતીને લઈ આવ્યાં. હું તમારી સ્પીચ ઘણી વાર સાંભળું છું. તમે ખૂબ શાંત સ્વભાવના છો અને તમારા વિશે કોઈ અજુગતું બોલે તો પણ તમે શાંત અને સ્વસ્થ અભિગમથી સ્થિતિને સંભાળી લો છો.’

દીપ્તિ શર્માએ ઇન્સ્ટાગ્રામ પરની બાયોમાં ‘ જય શ્રી રામ’ લખ્યું છે અને હાથ પર હનુમાનજીનું ટૅટૂ બનાવડાવ્યું છે. એ વિશે જ્યારે મોદીએ તેને પૂછ્યું કે ‘ તમે ક્રિકેટ રમવા માટે બધે ફરતા હો ત્યારે હનુમાનજી તમારી કેવી રીતે મદદ કરતા હોય છે?’ દીપ્તિએ હસતાં કહ્યું, ‘ બજરંગ બલીમાં મને ખૂબ શ્રદ્ધા છે અને હું જ્યારે પણ તકલીફમાં હોઉં છું ત્યારે તેમને યાદ કરું છું, તેમનું નામ લઉં છું ત્યારે મને લાગે છે કે હું તેમની કૃપાથી જ મુશ્કેલીઓમાંથી બહાર આવી ગઈ.’
મોદીએ ત્યારે તમામ ખેલાડીઓને સંબોધતા કહ્યું, ‘ શ્રદ્ધા આપણા જીવનમાં ખૂબ કામ કરતી હોય છે. એનો ફાયદો એ છે કે તેમને (ઈશ્વરને) આપણે બધું સોંપીને નિશ્ચિંત થઈ જઈએ છીએ કે એ બધું બરાબર કરી આપશે.’
આ પણ વાંચો…વડા પ્રધાન મોદી ભારતની વર્લ્ડ ચૅમ્પિયન વીરાંગનાઓને મળ્યા



