IND vs WI ટેસ્ટ મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાલી રહ્યું! BCCIના આ નીતિ સામે સવાલ ઉઠ્યા

અમદાવાદ: ભારત સૌથી વધુ ક્રિકેટ ચાહકો ધરાવતો દેશ છે, જ્યારે કોઈ શહેરમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાતી હોય છે ત્યારે શહેરના ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહનો માહોલ હોય છે. પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આજથી શરુ થયેલી પહેલી ભારત-વેસ્ટ ઈન્ડીઝ ટેસ્ટ મેચમાં કંઇક અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
આજે ટેસ્ટ મેચના પહેલા દિવસે સ્ટેડિયમમાં દર્શકોની હાજરી ખુબ પાંખી જણાઈ રહી છે, જેને કારણે ચાહકો બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)ના નીતિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે.
અમદાવાદના મોટેરામાં આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, તેમાં કુલ 1,32,000 દર્શકોની ક્ષમતા છે. IPL ઉપરાંત ભારતમાં રમાતી ICC ટુર્નામેન્ટ્સની મહત્વ મેચ આ સ્ટેડિયમમાં યોજવામાં આવતી હોય છે, આ દરમિયાન એટલું મોટું સ્ટેડીયમ દર્શકોથી ભરચક ભારેલુ જોવા મળે છે. પરંતુ આજથી શરુ થયેલી ટેસ્ટ મેચમાં સ્ટેડીયમ લગભગ ખાલી દેખાઈ રહ્યું છે.
ક્રિકેટનો ઓવરડોઝ કે દશેરા, શું છે કારણ?
સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે કે લોકો ક્રિકેટ જોઈને કંટાળ્યા છે. એશિયા કપ સમાપ્ત થયા પછી તરત જ આ ટેસ્ટ મેચ શરૂ થઈ છે, ક્રિકેટનો ઓવરડોઝ થઇ ગયો છે. લોકો એવો પણ તર્ક આપી રહ્યા છે કે આજે દશેરાનો દિવસ હોવાથી લોકો ઘરે સમય વિતાવી રહ્યા છે, જેને કારણે સ્ટેડિયમની સીટ્સ ખાલી રહી છે.
BCCIની નીતિ સામે સવાલો:
X પર યુઝર્સ BCCIના નિર્ણયોને પણ સીટ્સ ખાલી રહેવા માટે જવાબદાર ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે જો આપણે નબળી ટીમ સામે રમવાનું હોય, તો મેચ એવા સ્ટેડિયમમાં યોજવી જોઈએ, જ્યાંના લોકો ટેસ્ટ ક્રિકેટ જોવા ઈચ્છે છે. અમદાવાદ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, અને આટલા મોટા મેદાન પર નબળી ટીમ સામે ટેસ્ટ મેચનું આયોજન કરવાથી સ્ટેડીયમ ખાલી દેખાય છે.
યુઝરે લખ્યું કે આ સ્ટેડીયમ T20 ટુર્નામેન્ટ માટે યોગ્ય છે, ટેસ્ટ માટે નહીં. પ્રવાસન અને કનેક્ટિવિટીની સરળતાને ધ્યાનમાં રાખીને ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવે. ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, મુંબઈ, પુણે, નાગપુર, દિલ્હી, ધર્મશાળા અને વિઝાગ ફિક્સ્ડ ટેસ્ટ સેન્ટરો હોવા જોઈએ.
આપણ વાંચો: વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામેની ભારતની ટેસ્ટ મેચના કાર્યક્રમમાં બીસીસીઆઇએ કર્યો ફેરફાર
વિરાટે પણ કહી હતી આવી વાત:
ભારતનો દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી 2019 માં ટેસ્ટ ટીમના કેપ્ટન હતો, ત્યારે તેણે સલાહ આપી હતી કે ભારતના 4-5 જગ્યાએ જ ટેસ્ટ મેચનું આયોજન થવું જોઈએ.
વિરાટે કહ્યું હતું, “આપણી પાસે પાંચ ટેસ્ટ સેન્ટર હોવા જોઈએ. હું સમજુ છું કે રોટેશનને આધારે રાજ્ય સંગઠનોને મેચ આપવા આવે છે, પરંતુ એ T20 અને વન-ડે ક્રિકેટ માટે ઠીક છે. બાહરથી ભારત આવનારી ટીમોને ખબર હોવી જોઈએ કે તેઓ ક્યાં રમશે, પીચ કેવી હશે અને કેટલા દર્શકો હશે.
BCCI લગભગ 18 અલગ અલગ સ્ટેડિયમમાં ટેસ્ટ મેચનું આયોજન કરે છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ ફક્ત નવ કે દસ સ્ટેડિયમમાં જ ટેસ્ટ મેચનું આયોજન કરે છે.