સ્પોર્ટસ

દરેક વર્લ્ડ કપ પહેલાં અમારે કોઈને કોઈ મુસીબત સહેવી પડી છેઃ બાંગ્લાદેશનો ટેસ્ટ કૅપ્ટન

ઢાકાઃ બાંગ્લાદેશના ટેસ્ટ કૅપ્ટન નજમુલ હોસૈન શૅન્ટો (Shanto)એ કહ્યું છે કે ` બાંગ્લાદેશના ક્રિકેટરોએ દરેક મોટી ટૂર્નામેન્ટ પહેલાં કોઈને કોઈ મોટી મુસીબતનો સામનો કરવો જ પડતો હોય છે અને એ કઠિન સમયમાં પણ પોતાના માટે બધુ ઠીક છે એવી ઍક્ટિંગ કરવી પડતી હોય છે. આગામી ટી-20 વર્લ્ડ કપ પહેલાં પણ એવું જ બની રહ્યું છે.’

સાતમી ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે મેન્સ ટી-20 વર્લ્ડ કપ (World Cup) રમાવાનો છે અને એમાં બાંગ્લાદેશની ટીમ અસલામતીના કારરસર ભારતમાં રમશે કે નહીં એ વિશેની અનિશ્ચિતતા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા થઈ રહી હોવાથી બીસીસીઆઇની સૂચનાને પગલે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)એ હરાજીમાં 9.20 કરોડ રૂપિયામાં ખરીદેલા પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને સ્ક્વૉડમાંથી કાઢી નાખ્યો છે. એ નિર્ણયને પગલે હવે બાંગ્લાદેશ પોતાના ખેલાડીઓને ભારતમાં વર્લ્ડ કપની મૅચો રમવા મોકલવા તૈયાર નથી અને શ્રીલંકામાં એ મૅચો રાખવાનો આગ્રહ આઇસીસી સમક્ષ રાખે છે.

140થી પણ વધુ આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂકેલા 27 વર્ષના બૅટ્સમૅન શૅન્ટોએ શુક્રવારે ઢાકામાં પત્રકારોને કહ્યું, ` અમે કોઈ પણ વર્લ્ડ કપમાં સારું નથી રમી શક્યા. તમે યાદ કરજો, બાંગ્લાદેશના ક્રિકેટરોએ દરેક વર્લ્ડ કપ પહેલાં કોઈને કોઈ મુસીબતનો સામનો કરવો જ પડ્યો છે. આવું બને એટલે અમારા મન પર અવળી અસર થતી જ હોય છે, પણ અમે પ્રોફેશનલ ક્રિકેટરો છીએ એટલે કંઈ જ બન્યું જ નથી અને ચિંતાની કોઈ વાત છે જ નહીં એવી ઍક્ટિંગ અમારે કરવી પડતી હોય છે.’

ભૂતપૂર્વ બાંગ્લાદેશી ક્રિકેટર તમીમ ઇકબાલે ભારત સાથેની મડાગાંઠ ઉકેલવામાં ખૂબ સંયમ રાખવાની અને વ્યવહારું અભિગમ અપનાવવાની વાત કરી એટલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)ના ડિરેકટર નજમુલ ઇસ્લામ ગુસ્સે થયા છે અને તેણે તમીમને ભારતના એજન્ટ તરીકે ઓળખાવ્યો છે. જોકે શૅન્ટોએ તમીમ સાથે આવી ટિપ્પણી કરવા બદલ નજમુલની ટીકા કરી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button