Rafael Nadal : નડાલ કઈ ટૂર્નામેન્ટ માટે થઈને વિમ્બલ્ડનમાં રમવાનું રદ કરવા વિચારે છે? કારણ બહુ રસપ્રદ છે

પૅરિસ: એક સમયના વર્લ્ડ નંબર-વન ટેનિસ પ્લેયર અને 14 ફ્રેન્ચ ઓપન સહિત કુલ બાવીસ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલા સ્પેનના રાફેલ નડાલે અહીં સોમવારે પૅરિસની ફ્રેન્ચ ઓપનમાંથી પહેલા જ રાઉન્ડમાં આઉટ થઈ ગયા પછી અનોખી જાહેરાત કરી છે. તેને આ વખતે ટેનિસની સૌથી લોકપ્રિય વિમ્બલ્ડન (Wimbledon) ચૅમ્પિયનશિપમાં રમવાની ઇચ્છા નથી.
નડાલને ઇચ્છા કરતાં પણ ખાસ તો બીજી એક મોટી સ્પર્ધામાં રમવું છે એટલે લંડનની સ્પર્ધામાં રમવાનું રદ કરવા વિચારે છે.
નડાલ 2008માં અને 2010માં (દોઢ દાયકા પહેલાં) વિમ્બલ્ડનનું ટાઇટલ જીત્યો હતો. આ વખતે તે રમવા માગતો જ હતો, પણ તેણે વિચાર બદલ્યો અને હવે પૅરિસની ઑલિમ્પિક્સ (Paris Olympics) માટેની તૈયારી કરવા માગે છે. વિમ્બલ્ડન પહેલી જુલાઈએ શરૂ થશે, જ્યારે ઑલિમ્પિક્સની શરૂઆત 27મી જુલાઈએ થશે. તેણે કહ્યું છે, ‘વિમ્બલ્ડન ગ્રાસ કોર્ટ પર રમાશે અને એમાં રમીને તરત જ ક્લે કોર્ટ પરની ઑલિમ્પિક્સમાં રમવું મારા માટે બહુ મુશ્કેલ બની જશે.’
નડાલ થોડા મહિનાઓથી ઈજાનો શિકાર બન્યો હોવાથી હવે ખૂબ સાવચેતીથી કરીઅર આગળ વધારવા માગે છે. તેણે મંગળવારે આ મુદ્દે વધુમાં કહ્યું, ‘હમણાં હું કંઈ ચોક્કસ ન કહી શકું. મારી ટીમ સાથે ચર્ચા કરીશ અને પછી નિર્ણય લઈશ.’