શું બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુરને કોલકાતાના ફ્રૅન્ચાઇઝીએ 9.20 કરોડ રૂપિયા ચૂકવવા પડશે?

નવી દિલ્હીઃ આગામી માર્ચ-મે દરમ્યાન યોજાનારી આઇપીએલમાં બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને ન રમવા મળે કે ખુદ તે ન રમે તો કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના ફ્રૅન્ચાઇઝીએ મુસ્તફિઝુરને કેટલા પૈસા ચૂકવવા પડશે? કેકેઆરને કેટલું નુકસાન થઈ શકે? એવા અને બીજા સવાલો ચર્ચાઈ રહ્યા છે.
કેકેઆરના સહ-માલિક શાહરુખ ખાન (Shahrukh Khan)ને ભારતમાં ` દેશદ્રોહી’ તરીકે ઓળખાવવામાં આવી રહ્યો છે. મુસ્તફિઝુરને સ્ક્વૉડમાંથી પડતો મૂકવા માટે કિંગ ખાન પર ભારે દબાણ થઈ રહ્યું છે. કેકેઆરે મુસ્તફિઝુરને તાજેતરની હરાજીમાં 2.00 કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે જોરદાર હરીફાઈ વચ્ચે 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા હોવાથી મુસ્તફિઝુરને ટીમમાંથી પડતો મૂકવા શાહરુખ અને તેના ફ્રૅન્ચાઇઝી પર પ્રેશર થઈ રહ્યું છે.
કેકેઆર પાસે મુસ્તફિઝુર ઉપરાંતના બોલર્સમાં આકાશ દીપ, વૈભવ અરોરા, હર્ષિત રાણા, કાર્તિક ત્યાગી, મથીશા પથિરાના, ઉમરાન મલિક, પ્રશાંત સોલંકી અને વરુણ ચક્રવર્તી છે.
આપણ વાચો: બાંગ્લાદેશનો મુસ્તફિઝુર રહમાન મૂળ રંગપુર રાઇડર્સ ટીમનો, રંગપુરમાં હિન્દુઓની ખૂબ નિર્મમ હત્યાઓ થઈ છે
ડેથ-ઓવર્સના સ્પેશ્યાલિસ્ટ અને અગાઉ આઇપીએલ (ipl)ની આઠ સીઝન રમી ચૂકેલા મુસ્તફિઝુરને કેકેઆરે 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે સવાલ એ છે કે મુસ્તફિઝુરને ગુમાવવાની સાથે કેકેઆરને કેટલું નુકસાન થશે? જો તેને ટીમમાંથી પડતો મૂકવામાં આવશે તો ટીમને (ફાસ્ટ બોલિંગની દૃષ્ટિએ) ખાસ કંઈ નુકસાન નહીં થાય, કારણકે તે આઇપીએલની બધી મૅચો રમવાનો જ નહોતો. કોઈ પણ ખેલાડી જેટલી મૅચ રમવા માટે ઉપલબ્ધ હોય એના જ પૈસા તેને મળતા હોય છે.

આઇપીએલના નિયમો મુજબ કોઈ પણ ફ્રૅન્ચાઇઝી કોઈ પણ ખેલાડીને કાયદેસરના (મૅચ-ફિક્સિંગ, ડ્રગ્સનું સેવન વગેરે) કારણસર પડતો મૂકી શકે. જોકે રાજકીય વિરોધનું કારણ હોય તો ખેલાડી પર બૅન મૂકી શકાય એવો નિયમ છે જ નહીં.
બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી તોફાનો વધશે તો સ્વાભાવિક છે કે મુસ્તફિઝુર ભારતમાં રમવા આવવાનું પસંદ નહીં કરે અને તે નહીં આવવાનો હોય તો કેકેઆરે તેને એક પાઇ પણ ચૂકવવી નહીં પડે. ઑક્શન થયા પછી કૉન્ટ્રૅક્ટ બની ગયો હોય છે એટલે જો કેકેઆર કોઈ સંજોગોમાં મુસ્તફિઝુરને પડતો મૂકશે તો કેકેઆરે તેને પૈસા ચૂકવવા પડે. જોકે અગાઉ ઘણા કિસ્સાઓમાં આવા કૉન્ટ્રૅક્ટ અરસપરસની સંમતિથી રદ થઈ ચૂક્યા છે.



