સ્પોર્ટસ

મુંબઈ-હરિયાણાની રણજી ક્વૉર્ટર ફાઇનલ અચાનક લાહલીને બદલે કોલકાતામાં રાખવાનો નિર્ણય લેવાયો

લાહલી (હરિયાણા): મુંબઈ અને હરિયાણા વચ્ચે શનિવારે, આઠમી ફેબ્રુઆરીએ શરૂ થનારી પાંચ દિવસીય રણજી ટ્રોફી ક્વૉર્ટર ફાઇનલ છેલ્લી ઘડીએ હરિયાણાના લાહલીને બદલે પશ્ચિમ બંગાળના કોલકાતામાં (સવારે 9.00 વાગ્યાથી) રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હરિયાણાની ટીમ માટે લાહલીનું મેદાન હોમ-ગ્રાઉન્ડ બની શક્યું હોત, પણ હવે એણે મુંબઈ સામે ઈડન ગાર્ડન્સના તટસ્થ સ્થળે રમવું પડશે.

સચિન તેન્ડુલકર 2013માં છેલ્લી ફર્સ્ટ-ક્લાસ મૅચ લાહલીમાં રમ્યો હતો જ્યાં હજારો લોકો તેને જોવા માટે આવ્યા હોવાથી તેને હોમ-ટાઉન મુંબઈ જેવો માહોલ માણવા મળ્યો હતો.

મુંબઈ-હરિયાણાની ક્વૉર્ટર ફાઇનલનું સ્થળ બીસીસીઆઇ દ્વારા ત્રણ દિવસ પહેલાં બદલાઈ જતાં બન્ને ટીમના પ્રવાસને લગતી યોજનાને અસર થઈ છે. ખાસ કરીને હરિયાણાની ટીમને ખૂબ નવાઈ લાગી છે, કારણકે લાહલી તેનું હોમ-ગ્રાઉન્ડ બનવાનું હતું.

અજિંક્ય રહાણેના સુકાનમાં મુંબઈની ટીમ આજે સવારે લાહલી પહોંચવાની હતી, પરંતુ હવે તેઓ સાંજે કોલકાતા પહોંચશે. હરિયાણાના ખેલાડીઓ પણ આજે સાંજે કોલકાતા પહોંચવાના છે.

લાહલીમાં હવામાન થોડા દિવસથી ખૂબ સ્વચ્છ અને સારું રહ્યું છે એટલે અશોક મેનારિયાના સુકાનમાં હરિયાણાની ટીમને લાહલીના બંસી લાલ સ્ટેડિયમમાં સારું પર્ફોર્મ કરવાની આત્મવિશ્વાસ હતો, કારણકે આ સીઝનમાં એની ત્રણેય હોમ-મૅચ લાહલીના આ જ મેદાનમાં રમાઈ હતી.

આ પણ વાંચો : બુમરાહ અને સ્મૃતિને મળ્યા બીસીસીઆઇના આ સર્વશ્રેષ્ઠ પ્રતિષ્ઠિત પુરસ્કાર…

દરમ્યાન હરિયાણાની જેમ જમ્મુ અને કાશ્મીરની કેરળ સામેની ક્વૉર્ટર ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી) પણ હોમ-ટાઉન જમ્મુને બદલે પુણેમાં ખસેડવામાં આવી છે. જોકે જમ્મુમાં કાતિલ ઠંડી હોવાથી ખુદ જમ્મુ અને કાશ્મીરના ક્રિકેટ ઍસોસિયેશને જ બીસીસીઆઇ સમક્ષ ચિંતા વ્યક્ત કરી હોવાથી મૅચને પુણેમાં રાખવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના ઍસોસિયેશનને આ ક્વૉર્ટર ફાઇનલ મુંબઈ કે અમદાવાદમાં રાખવી હતી, પરંતુ બીસીસીઆઇએ આ બન્ને સ્થળ ઉપલબ્ધ ન હોવાથી એની મંજૂરી નહોતી આપી.

શનિવારે સવારે 9.30 વાગ્યાથી રમાનારી ત્રીજી ક્વૉર્ટર ફાઇનલ સૌરાષ્ટ્ર-ગુજરાત વચ્ચે રાજકોટમાં અને ચોથી ક્વૉર્ટર ફાઇનલ વિદર્ભ-તામિલનાડુ વચ્ચે નાગપુરમાં રમાવાની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button