વિદર્ભના જોરદાર ફાઇટબૅક છતાં મુંબઈ 42મા ટાઇટલની લગોલગ
મુંબઈ: વિદર્ભને રણજી ટ્રોફીમાં 2018ની સીઝનની ફાઇનલમાં દિલ્હી અને 2019ની ફાઇનલમાં સૌરાષ્ટ્રને નમાવી નહોતા શક્યા, પણ આ વખતે મુંબઈ સામે એનું (વિદર્ભનું) ગજું નહીં એવું બુધવારે ચોથા દિવસની રમતને અંત સુધીમાં લગભગ સાબિત થઈ ગયું હતું. ક્રિકેટમાં કંઈ પણ સંભવ હોય છે અને ચમત્કારિક પર્ફોર્મન્સથી મસમોટો લાગતો લક્ષ્યાંક મેળવી પણ શકાતો હોય છે, પરંતુ વિદર્ભની ટીમે વાનખેડે સ્ટેડિયમમાં લોઢાના ચણા ચાવવા પડી રહ્યા છે. હા, વિદર્ભની ટીમે મુંબઈના વિજયને વિલંબમાં જરૂર મૂક્યો છે. ખુદ અક્ષય વાડકર અને ટૉપ-ઑર્ડરના બૅટર્સે મુંબઈના બોલર્સને ખૂબ હંફાવ્યા હતા અને ફીલ્ડરોને દોડાવ્યા હતા.
પાંચ દિવસની આ મૅચમાં ચોથા દિવસની રમતને અંતે વિદર્ભનો સ્કોર 538 રનના તોતિંગ ટાર્ગેટ સામે પાંચ વિકેટે 248 રન હતો. વિદર્ભે હજી 290 રન બનાવવાના બાકી છે અને મુંબઈએ પાંચ વિકેટ લેવાની બાકી છે. મુંબઈ 42મા રણજી ટાઇટલની તલાશમાં છે.
વિદર્ભનો ટૉપ-ઑર્ડર સાફ થઈ ગયો છે અને કૅપ્ટન-વિકેટકીપર અક્ષય વાડકરે 56 રન બનાવીને એક છેડો સાચવી રાખ્યો છે. તેની સાથે હર્ષ દુબે 11 રને રમી રહ્યો છે.
વાડકર અને આ સીઝનથી જ વિદર્ભની ટીમ સાથે જોડાયેલા પીઢ બૅટર કરુણ નાયર (74 રન, 220 બૉલ, 287 મિનિટ, ત્રણ ફોર) વચ્ચે પાંચમી વિકેટ માટે 90 રનની પાર્ટનરશિપ થઈ હતી. મુંબઈના બોલર્સને વાડકર અને નાયર ખાસ્સો સમય નડી ગયા હતા, પણ 19 વર્ષની ઉંમરના લેફ્ટ-આર્મ સ્પિનર મુશીર ખાને નાયરને આઉટ કરીને ભાગીદારી તોડવામાં સફળતા મેળવી હતી.
બુધવારની સવારે મુંબઈના બોલર્સે બે મહત્ત્વની વિકેટ લીધી હતી અને પછી છેલ્લી ક્ષણોમાં કરુણ નાયરને પૅવિલિયનમાં પાછો મોકલ્યો હતો. મુંબઈ વતી મુશીર ઉપરાંત તનુષ કોટિયને બે-બે વિકેટ અને શમ્સ મુલાણીએ એક વિકેટ લીધી હતી. શાર્દુલ, ધવલ કુલકર્ણી અને તુષાર દેશપાંડેને એકેય વિકેટ નહોતી મળી, પણ ગુરુવારે સવારના સત્રમાં વિદર્ભના પરાજયની સંભાવના વધુ છે અને એમાં આ ત્રણેય વિકેટ વગરના બોલરનું યોગદાન જોવા મળી શકે.
વિદર્ભ આ ફાઇનલ હારશે તો પણ એની લડત લાંબા સમય સુધી બધાને યાદ રહેશે.
મુંબઈએ પ્રથમ દાવમાં 224 રન બનાવ્યા પછી વિદર્ભએ 105 રન બનાવતાં મુંબઈએ 119 રનની લીડ લીધી હતી. બીજા દાવમાં મુંબઈએ 418 રન બનાવીને બે વાર ચૅમ્પિયન બની ચૂકેલા વિદર્ભને 538 રનનો અત્યંત મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો.