પાકિસ્તાનને નવા ઑલરાઉન્ડરે મુસીબતમાંથી ઉગાર્યું, જાણો કેવી રીતે…
મુલતાન: પાકિસ્તાને અહીં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં એક દાવ અને 47 રનથી કારમી હાર જોઈ ત્યાર બાદ મંગળવારે બ્રિટિશરો સામેની બીજી ટેસ્ટમાં પહેલા દિવસે રમતના અંત સુધીમાં 90 ઓવરમાં પાંચ વિકેટે 259 રન બનાવ્યા હતા. પહેલી જ ટેસ્ટ રમી રહેલા 29 વર્ષના ઑલરાઉન્ડર કામરાન ગુલામ (118 રન, 224 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)ની સેન્ચુરીએ ટીમની આબરૂ સાચવી લીધી હતી.
ટૉસ જીત્યા બાદ 19 રનમાં બે વિકેટ ગુમાવનાર શાન મસૂદની ટીમને ગુલામ તથા ઓપનર સઇમ અયુબ (77 રન, 160 બૉલ, સાત ફોર) વચ્ચેની ત્રીજી વિકેટ માટેની 149 રનની પાર્ટનરશિપે મોટી મુસીબતમાંથી બચાવી લીધી હતી. ત્રીજી વિકેટ છેક 168મા રને પડી હતી.
રમતના અંતે મોહમ્મદ રિઝવાન 37 રને અને સલમાન આગા પાંચ રને રમી રહ્યો હતો.
ઇંગ્લૅન્ડના છ બોલરમાંથી સ્પિનર જૅક લીચે બે તેમ જ મૅથ્યૂ પૉટ્સ, બ્રાયડન કાર્સ અને શોએબ બશીરે એક-એક વિકેટ લીધી હતી.