‘હું એમએસ ધોની છું…પ્લીઝ મને 600 રૂપિયા મોકલો, પરત મોકલી દઈશ’
ચેન્નઈ: ક્રિકેટનો ફીવર અત્યારે ચરમસીમાએ છે અને એમએસ ધોની શક્યત: કરીઅરની છેલ્લી ટૂર્નામેન્ટ રમી રહ્યો છે ત્યારે તેના નામે ઑનલાઇન થવાની પણ સંભાવના રહે એટલે તેના ચાહકોએ સ્કૅમની જાળમાં ન ફસાઈ જવાય એની કાળજી રાખવી પડે. એ તો ઠીક, પણ બનાવટી ધોની બનીને પણ કૌભાંડ થઈ શકે એ તાજેતરમાં ધ્યાનમાં આવ્યું છે.
એક સ્કૅમર (કૌભાંડકારી)એ પોતે એમએસ ધોની છે એવું બતાવીને લોકો પાસેથી પૈસા ખંખેરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં શૅર કરાયેલા એક સ્ક્રીનશૉટ મુજબ ઇન્સ્ટાગ્રામના એક યુઝરને આ મુજબનો મૅસેજ મળ્યો હતો: ‘હાય…હું એમએસ ધોની છું. મારા પ્રાઇવેટ અકાઉન્ટમાંથી આ મૅસેજ મોકલી રહ્યો છું. હું અત્યારે રાંચી શહેરની બહારના એક વિસ્તારમાં છું અને હું મારું વૉલેટ ઘરે ભૂલી ગયો છું. શું તમે ફોનપે દ્વારા મને 600 રૂપિયા ટ્રાન્સફર કરશો કે જેથી હું બસમાં ઘરે પહોંચી શકું. હું ઘરે પહોંચીશ કે તરત જ તમને પરત મોકલી દઈશ.’
— Out Of Context Cricket (@GemsOfCricket) April 25, 2024
આ સ્કૅમને લગતું ટ્વીટ વાઇરલ થયું છે અને એને શુક્રવાર સાંજ સુધીમાં સાડાત્રણ લાખથી વધુ વ્યૂઝ મળી ગયા હતા.
ટ્વિટરના એક યુઝરે લખ્યું છે, ‘આ સ્કૅમરે પોતાની સત્યતા ક્યાં પુરવાર કરી છે એ તો બતાવો.’
બીજો યુઝર લખે છે, ‘હાં યાર…રિયલ ધોની જેવો જ દેખાય છે…ક્યૂઆર કોડ ક્યાં છે?’
ત્રીજો યુઝર લખે છે, ‘ક્યા ક્યા દેખના પડ રહા હૈ.’
ચોથા યુઝરે પણ બહુ સરસ લખ્યું છે. ‘એક શરતે 600 રૂપિયા મોકલું, જો તું 2050ની સાલ સુધી રિટાયર ન થવાનો હોય તો જ.’