Ms Dhoniના ચાહકો આનંદો! આપણો માહી નવા બૅટથી રમવા લાગ્યો છે
રાંચી: મહેન્દ્રસિંહ ધોની ટિકિટ ચેકરમાંથી ફુટબોલર અને એમાંથી છેવટે ક્રિકેટર બન્યો અને દોઢ દાયકાથી પણ વધુ સમયની લાંબી ઇન્ટરનૅશનલ કરીઅરમાંથી નિવૃત્ત થયા બાદ હવે તો આ વર્ષે આઇપીએલને પણ અલવિદા કરવાની તૈયારીમાં છે. 550 જેટલી ઇન્ટરનૅશનલ મૅચ રમીને 16,500થી પણ વધુ રન બનાવવા ઉપરાંત વિકેટની પાછળ ઊભા રહીને 850 જેટલા બૅટરને પૅવિલિયન ભેગા કરાવનાર ધોનીની આઇપીએલની (સીએસકેની) સક્સેસ સ્ટોરી વિશે લખીએ તો અહીં જગ્યા ઓછી પડે. આટલા લાંબી ક્રિકેટ સફર પછી પણ ભારતનો આ સર્વશ્રેષ્ઠ કૅપ્ટન અને વિશ્ર્વનો બેસ્ટ વિકેટકીપર-બૅટર નાનપણના દોસ્તોની દિલાવરીને અને મદદને હજી નથી ભૂલ્યો. મૉડલિંગથી અને નિતનવા કૉન્ટ્રૅક્ટો કરીને કરોડો રૂપિયાની કમાણી કરવા છતાં માહીમાં નામનોયે અહંકાર નથી અને તેણે જૂના મિત્રને તેની પ્રૉડક્ટના પ્રમોશન માટે પૂરતો સમય આપ્યો છે.
તમે માહી પર સુશાંત સિંહ રાજપૂતના અભિનયમાં બનેલી ફિલ્મ ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’નો એક કિસ્સો યાદ હોય તો એમાં બતાવાયું હતું કે મિત્ર પરમજિત સિંહે તેની કરીઅરને ડેવલપ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ધોનીને પહેલું બૅટ ફ્રેન્ડ પરમજિત સિંહે જ આપ્યું હતું.
પરમજિત સિંહે ધોનીને અનેક પ્રકારના સ્પોર્ટ્સ ગુડ્સ ફાળવીને ક્રિકેટમાં જાણે તેનું ભાવિ નક્કી કરી આપ્યું હતું. રાંચીમાં એ જ પરમજિત સિંહની ‘પ્રાઇમ સ્પોર્ટ્સ’ નામની નાનકડી શૉપને ધોની આજકાલ પ્રમોટ કરવામાં મદદ કરી રહ્યો છે. ધોની એ પ્રમોશન માટે નેટમાં જે નવા બૅટથી રમે છે એના પર પ્રાઇમ સ્પોર્ટ્સનું સ્ટિકર લગાડેલું છે.
ધોનીને સીએસકેના ફ્રૅન્ચાઇઝીએ 2024ની આઇપીએલ માટે રીટેન કર્યો છે. 2023ની ફાઇનલમાં ધોનીના સુકાનમાં સીએસકેએ હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીવાળી ગુજરાત ટાઇટન્સની ટીમને હરાવીને પાંચમી વખત ટાઇટલ જીતી લીધું હતું. ધોની મિત્ર પરમજિત સિંહની દુકાનના પ્રમોશન માટે નવા બૅટથી રમ્યો એ તો ઇન્ટરેસ્ટિંગ ઇવેન્ટ કહેવાય જ, પણ ‘કૂલ કૅપ્ટન’ હવે ગણતરીના અઠવાડિયામાં આઇપીએલના મેદાન પર ફટકાબાજી કરતો જોવા મળશે. યાદ રહે, આ તેની કદાચ છેલ્લી આઇપીએલ હશે કારણકે કરોડો ચાહકો અને મિત્રોનું માન રાખીને જ તેણે 2024 સુધી આઇપીએલમાંની કારકિર્દીને લંબાવી છે.