
માન્ચેસ્ટર: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની એન્ડરસન-તેન્દુલકર ટ્રોફીની પહેલી ત્રણ મેચમાંથી બેમાં ઇંગ્લેન્ડે જીત મેળવી છે, જ્યારે ભારતીય ટીમ એક જ મેચ જીતી શકી છે. હાલ માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી સિરીઝની ચોથી મેચ (Ind vs Eng Manchester test) ભારત માટે મહત્વની છે, પરંતુ ભારતની સ્થિતિ નબળી જણાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 358 રનમાં ઓલ આઉટ થઇ ગઈ, જયારે ત્રીજા દિવસના અંતે ઇંગ્લેન્ડે 7 વિકેટે 544 રન ખડકી દીધા છે. ઇંગ્લેન્ડના બેટર્સે ભારતીય બોલર્સ સામે આક્રમક બેટિંગ કરી, ત્યારે લોકોને ભારતના સ્પિનર કુલદીપ યાદવ(Kuldeep Yadav)ની યાદ આવી, જેની આ સિરીઝમાં અવગણના કરવામાં આવી રહી છે.
ભારતીય ક્રિકેટ ચાહકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ભારતના લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવની શા માટે અવગણના કરવામાં આવી રહી છે. ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમતના અંત બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે કુલદીપને ટીમમાં સામેલ ન કરવા અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે બેટિંગમાં ઊંડાણને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરી રહ્યું છે.
બેટર્સ નિષ્ફળ જતા કુલદીપને સ્થાન નહીં?
પ્રેસ કોન્ફરન્સમાં મોર્કેલે કહ્યું, “મને લાગે છે કે જ્યારે ટીમ મેદાન પર ઉતરે છે, ત્યારે વિચાર કરવામાં આવે છે કે ટીમને કેવી રીતે સંતુલિત કરવી અને બેટિંગ લાઇન-અપને કેવી રીતે થોડી લાંબી અને મજબૂત બનાવી બનવવામાં આવે. આપણે ભૂતકાળમાં જોયું છે કે આપણે ઘણી વિકેટ ગુમાવી છે. કુલદીપ વર્લ્ડ ક્લાસ બોલર છે અને તે હાલમાં ખૂબ સારી બોલિંગ કરી રહ્યો છે, પરંતુ તેને ટીમમાં સામેલ કરવાથી બેટિંગમાં સંતુલન બનાવવું મુશ્કેલ બની જાય છે.”
શાર્દુલ પાસે 11 જ ઓવર કરાવવામાં આવી:
માન્ચેસ્ટર ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમના બોલિંગ વિભાગમાં બે જગ્યા ખાલી હતી કારણ કે આકાશ દીપ અને નીતિશ કુમાર રેડ્ડી બંને ઈજાગ્રસ્ત છે. આકાશની જગ્યાએ અર્શદીપ સિંહને ટીમમાં સામેલ કરવાનો હતો, પરંતુ તે પણ ઈજાગ્રસ્ત થયો હતો. માન્ચેસ્ટરની પરિસ્થિતિઓ રાખતા કુલદીપ માટે વધુ અનુકુળ જણાતી હતી, પરંતુ ટીમ મેનેજમેન્ટે શાર્દુલ ઠાકુરને સ્થાન આપ્યું, પરંતુ શાર્દુલને 135 ઓવરમાંથી ફક્ત 11 ઓવર જ ફેંકી છે. અંશુલ કંબોજને પણ ડેબ્યૂ કરાવવામાં આવ્યું, પરંતુ અનુભવી કુલદીપને સ્થાન ન મળ્યું.
…તો કુલદીપને સ્થાન મળશે:
ભારતના બોલિંગ કોચ મોર્કેલે સ્વીકાર્યું કે પિચમાં સ્પિન મળી રહ્યો છે અને કુલદીપ અસરકારક સાબિત થઇ શક્યો હોત. મોર્કલે કહ્યું, “વિકેટ હજુ પણ સૂકી છે અને થોડો સ્પિન પણ છે. તેથી વોશિંગ્ટન અને જાડેજા પ્રભાવ પાડી શકે છે. ટોચના છ ખેલાડીઓ સતત રન બનાવે એ જરૂરી, એવું થાય તો અમે કુલદીપ જેવા ખેલાડીને મેદાનમાં ઉતારી શકીએ.”