સ્પોર્ટસ

ભારતીય બોલર્સ માટે નવા બોલિંગ-કોચ મૉર્કલની ફાયદારૂપ યોજના! જાણો એ શું છે…

ચેન્નઈ: નવેમ્બર 2023માં વન-ડેનો વર્લ્ડ કપ રમાઈ ગયો અને જૂન, 2024માં ટી-20નો વિશ્ર્વ કપ રમાયો. હવે ભારતીય ક્રિકેટર્સનો સૌથી મોટો ધ્યેય ટેસ્ટનો વર્લ્ડ કપ એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) જીતવાનો છે. 2021માં અને 2023માં ફાઇનલમાં પહોંચ્યા પછી ભારત ડબ્લ્યૂટીસીની ટ્રોફી નહોતું જીતી શક્યું એટલે આ વખતે રોહિત શર્મા તેમ જ ટીમ-મૅનેજમેન્ટના બીજા સભ્યો ટેસ્ટના પણ ચૅમ્પિયન બનવા કોઈ જ કસર બાકી નથી છોડવા માગતા. નવા બોલિંગ-કોચ મૉર્ની મૉર્કલે ભારતીય બોલર્સને બોજ-મુક્ત કરવા ખાસ યોજના વિચારી રાખી છે.

હેડ-કોચ ગૌતમ ગંભીરની ફરમાઇશથી સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મૉર્ની મૉર્કલને પારસ મ્હામ્બ્રેના સ્થાને ટીમ ઇન્ડિયાનો બોલિંગ-કોચ બનાવવામાં આવ્યો છે. મૉર્કલે રવિવારે બીસીસીઆઇની ટીવી ચૅનલને કહ્યું કે ‘હું ભારત આવવા માટે પ્લેનમાં બેઠો ત્યારે મને વિચાર આવ્યો કે નસીબજોગે ભારતીય ટીમમાં કેટલા બધા સારા સિનિયર ખેલાડીઓ છે. તેઓ પોતપોતાની રીતે જવાબદારી ઉપાડશે અને અમારું (કોચિંગ-સ્ટાફનું) કામ તેમને સપોર્ટ આપવાનું છે. હું તેમને બની શકે એટલી શ્રેષ્ઠ સલાહ આપીશ.’

આ પણ વાંચો : શુભમન ગિલ નિષ્ફળ ગયા પછી મયંકની કૅપ્ટન્સીમાં ઇન્ડિયા-એનો વિજય

ગુરુવાર, 19મી સપ્ટેમ્બરે ચેન્નઈમાં બાંગ્લાદેશ સામે શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમના પેસ બોલર્સમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, યશ દયાલ, આકાશ દીપ તેમ જ સ્પિનર આર. અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવનો સમાવેશ છે.

આઇપીએલમાં કોચિંગ આપવાનો બહોળો અનુભવ ધરાવતા મહાન ઝડપી બોલર મૉર્ની મૉર્કલે પત્રકારોને કહ્યું, ‘ભારતીય ખેલાડીઓ પર આશા-અપેક્ષાનો પ્રચંડ બોજ છે અને એ દબાણમાં તેમને માનસિક રાહતનો અનુભવ કરાવવાનો મારો અભિગમ રહેશે. હું આ ખેલાડીઓ સામે ઘણું રમ્યો છું અને આઇપીએલમાં પણ તેમની સાથે કામ કરી ચૂક્યો છું. હવે હું તેમની છાવણીમાં છું એટલે તેમની સાથે ગાઢ દોસ્તી બનાવવામાં તેમ જ કોચ-પ્લેયર વચ્ચેના સારા સંબંધો બનાવવા પર હું ખાસ ધ્યાન આપીશ.’

મૉર્ની મૉકલે એવું પણ કહ્યું કે ‘હું ભારતીય બોલર્સની નબળી અને સબળી બાજુઓને ધ્યાનમાં રાખીને યોજના બનાવીશ અને અમે ભેગા થઈને આવનારી સિરીઝ જીતવાના ધ્યેયના બીજ રોપીશું. આ સંબંધમાં મને ભારતીય ખેલાડીઓનો શરૂઆતથી જ સારો સપોર્ટ મળી રહ્યો છે. હું તેમના પ્રોફેશનલ અપ્રોચથી ખૂબ પ્રભાવિત થયો છું. ખેલાડીઓમાં કૌશલ્ય હોય, પણ એને ખરાબ પરિસ્થિતિમાં અને અપેક્ષાના દબાણ વચ્ચે કેવી રીતે કારગત બનાવવું એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને અમે આગળ વધીશું. ખેલાડીને જ્યારે એવી માનસિક રાહત થાય અને તેમને પોતાનું મહત્ત્વ બરાબર સમજાય ત્યારે તેમનામાંથી વધુ સારો પર્ફોર્મન્સ બહાર આવતો હોય છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button