સ્પોર્ટસ

નકવી ICC સમક્ષ ભારતીય અન્ડર-19 ખેલાડીઓની ફરિયાદ કરશે! સરફરાઝે લગાવ્યા ગંભીર આરોપ

દુબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ કોઈ વિવાદ વગર સમાપ્ત થાય એવું ભાગ્યે જ બને છે. રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમયેલી ACC મેન્સ અન્ડર-19 એશિયા કપ 2025ની ફાઈનલ મેચ પણ વિવાદોમાં ઘેરાયેલી રહી. એવામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના વડા મોહસીન નકવી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) સમક્ષ ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તૈયારી કરી રહ્યાં છે.

રવિવારે દુબઈ સ્થિત ICC ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડમાં રમાયેલી ફાઈનલ મેચ બાદ પાકિસ્તાની ટીમના મેન્ટર સરફરાઝ અહેમદે આરોપ લગાવ્યા હતાં કે, ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા હતાં અને ગેરવર્તણૂક કરી હતી. સોમવારે PCBના વડા મોહસીન નકવીએ જણાવ્યું કે ભારતીય ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલા આ ઉશ્કેરણીજનક વર્તનનો મુદ્દો તેઓ ICC સમક્ષ ઉઠાવશે.

પાકિસ્તાનની મોટી જીત:
ACC મેન્સ અન્ડર-19 એશિયા કપ 2025ની ફાઈનલ મેચ એક તરફી રહી, પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને આઠ વિકેટ ગુમાવીને 347 રનનો વિશાલ સ્કોર બનાવ્યો, 348 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતારેલી ભારતીય ટીમની 26.2 ઓવરમાં માત્ર 156 રન પર જ ઓલઆઉટ થઇ ગઈ. પાકિસ્તાનની ટીમે 191 રનની મોટી જીત મેળવી. પાકિસ્તાની ટીમ 13 વર્ષમાં બાદ અંડર-19 એશિયા કપ જીતી.

આ મેચ દરમિયાન મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓના વચ્ચે મેદાન પર ઉગ્ર બોલચાલ થઈ હતી, બને ટીમોના ખેલાડીઓ તરફથી ઉગ્ર સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું હતું.

નકવીએ ICC સમક્ષ ફરિયાદ કરશે:
પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે ચેમ્પિયન અંડર-19 ટીમના સ્વાગત માટે એક સમારોહનું આયોજન કર્યું હતું. આ સમારોહ દરમિયાન પત્રકારો સાથે કરતા, નકવીએ ભારતીય ખેલાડીઓના વર્તન પર ટીકા કરી. નકવીએ કહ્યું કે PCB આ મુદ્દો ICC સમક્ષ ઉઠાવશે, તેઓ ICCને વિનંતી કરશે કે રમત અને રાજકારણ બંને અલગ રાખવા જોઈએ.

સરફરાઝ લગાવ્યા આરોપ:
ફાઈનલ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાની ટીમના મેન્ટર સરફરાઝે કહ્યું, “મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓનું વર્તન યોગ્ય ન હતું, અને આ વર્તન ક્રિકેટની ભાવના વિરુદ્ધ હતું. તેમ છતાં, અમે રમતની ભાવના સાથે અમારી જીતની ઉજવણી કરી હતી. યોગ્ય ભાવના સાથે ક્રિકેટ રમવું જોઈએ.”

સિનિયર ટીમના ખેલાડીઓ પણ બાખડ્યા હતાં:
ગત સપ્ટેમ્બર મહિનામાં T20 એશિયા કપ 2025માં બંને દેશોની સિનિયર મેન્સ ટીમ વચ્ચે ત્રણ મેચ રમાઈ હતી, આ ત્રણેય મેચમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે તકરાર થઇ હતી. બંને BCCI અને PCBએ ICC સમક્ષ ફરિયાદ નોંધાવી.

ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે જસપ્રીત બુમરાહને ચેતવણી આપવામાં આવી હતી. પાકિસ્તાનના હરિસ રૌફને બે વાર દંડ અને બે મેચનો પ્રતિબંધ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે સાહિબજાદા ફરહાનને ચેતવણી આપવામાં આવી હતી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button