આ ફાસ્ટ બોલરની ક્રિકેટ-કિટ ઑસ્ટ્રેલિયા પહોંચી ગઈ, તે ક્યારથી રમશે એ પણ લગભગ નક્કી છે
ઍડિલેઇડમાં બુમરાહને બોલિંગ દરમ્યાન ઈજા, ભારતીય ટીમ ચિંતિત
નવી દિલ્હીઃ અહીં ઑસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ દરમ્યાન વર્લ્ડ નંબર-વન ટેસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બોલિંગ દરમ્યાન નજીવી ઈજાને કારણે બેસી પડ્યો એ સાથે ઍડિલેઇડમાં મુશ્કેલીના વમળમાં ફસાયેલી ભારતીય ટીમની ચિંતા વધી ગઈ હતી.
જોકે સિરીઝમાં ભારતની બોલિંગ-તાકાતને મજબૂત બનાવે એવા સમાચાર શનિવારે સાંજે મળ્યા હતા. પેસ બોલર મોહમ્મદ શમીની ક્રિકેટ-કિટ ઑસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે અને ખુદ તે લગભગ 26મી ડિસેમ્બરથી રમાનારી ચોથી ટેસ્ટથી રમશે.
હાલમાં ઍડિલેઇડમાં બીજી ટેસ્ટ ચાલી રહી છે. 14મી ડિસેમ્બરે બ્રિસ્બેનમાં ત્રીજી ટેસ્ટ શરૂ થશે અને શમી એ અરસામાં જ ઑસ્ટ્રેલિયા પહોંચવાનો હોવાથી એ મૅચમાં કદાચ નહીં રમે, પરંતુ મેલબર્નમાં 26મી ડિસેમ્બરે શરૂ થનારી બૉક્સિંગ-ડે ટેસ્ટથી તે રમશે એ નક્કી છે.
આપણ વાંચો: `ફાસ્ટેસ્ટ’ સેન્ચુરિયન ટ્રેવિસ હેડે બાજી ફેરવી, હવે પંત-રેડ્ડી-અશ્વિનના હાથમાં ટેસ્ટનું ભાવિ
શમીની નજીકના એક સૂત્ર પાસેથી પીટીઆઇને જાણવા મળ્યું હતું કે `શમીને બેન્ગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ)માંથી ફિટનેસ સર્ટિફિકેટ મળવાની તૈયારીમાં જ છે. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાના માટે નક્કી થયેલી મૅચો રમી લીધા પછી ઑસ્ટ્રેલિયા જવા રવાના થઈ જશે.’
34 વર્ષનો શમી ભારત વતી છેલ્લે નવેમ્બર, 2023ના ભારતમાંના વન-ડે વર્લ્ડ કપમાં રમ્યો હતો. ત્યાર બાદ તેણે પગની ઘૂંટીની સર્જરીને લીધે મહિનાઓ સુધી મેદાનથી દૂર રહેવું પડ્યું હતું.
આપણ વાંચો: ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસ ઇંગ્લેન્ડની ટીમે સુવર્ણ અક્ષરે નામ નોંધાવ્યું, આ ઐતિહાસિક રેકોર્ડ નોંધાવ્યો
તાજેતરમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ઘરઆંગણે જે ટેસ્ટ-સિરીઝ રમાઈ એમાં તે રમવાનો હતો, પરંતુ તેના ઘૂંટણમાં સોજો આવી જતાં તેનું કમબૅક ફરી વિલંબમાં મુકાયું હતું.
શમી હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બેંગાલ વતી રમે છે અને સાત મૅચમાં આઠ વિકેટ લીધી છે.